એપ્રિલ 2024 થી 21 વર્ષથી મોટી વયના સૌ કોઇ માટે બ્રિટનનું લઘુત્તમ વેતન 9.8 ટકા વધારીને £11.44 પ્રતિ કલાક કરવાની ચાન્સેલર જેરેમી હંટે બજેટ અપડેટની પૂર્વસંધ્યાએ જાહેરાત કરી હતી. 18થી 20 વર્ષની વયના લોકોનું લઘુત્તમ વેતન £8.60 પ્રતિ કલાક થશે. જ્યારે એપ્રેન્ટીસને £6.40 પ્રતિ કલાક વેતન અપાશે. આ વધારાથી આશરે 2.7 મિલિયન કામદારોને સીધો ફાયદો થશે.
હંટે મંગળવાર તા. 21ના રોજ જણાવ્યું હતું કે “નેશનલ લિવિંગ વેજે 2010થી ઓછા પગાર પર નભતા લોકોની સંખ્યાને અડધી કરવામાં મદદ કરી છે.”
બેંક ઓફ ઈંગ્લેન્ડે ચેતવણી આપી છે કે વેતન વૃદ્ધિની વર્તમાન ગતિ ફુગાવાને પાછું લાવવાનું મુશ્કેલ બનાવશે. 2022માં, OECDએ અંદાજ લગાવ્યો હતો કે બ્રિટનનું લઘુત્તમ વેતન ફૂલ ટાઇમની કમાણીના 58 ટકા જેટલું હતું.
બિઝનેસ મિનિસ્ટર કેવિન હોલિનરેકે, જણાવ્યું હતું કે: “અમે 21 અને તેથી વધુ ઉંમરના કામદારો માટે ઓછા કલાકના પગારને સમાપ્ત કરીને નેશનલ લિવિંગ વેજમાં £1.02 પ્રતિ કલાકનો વધારો કર્યો છે.’’
