14 વર્ષની છોકરીને વોટ્સએપ મેસેજ કરી સેક્સ માટે લલચાવવાના આરોપસર પીડોફાઇલ હંટર્સ જૂથ ‘ગાર્ડિયન્સ ઓફ નોર્થ’ દ્વારા પકડવામાં આવેલા લંડનના હેરો ખાતે રહેતા મીનેશ પટેલ નામના 27 વર્ષના યુવાનને ન્યુકાસલ ક્રાઉન કોર્ટમાં જાતીય પ્રવૃત્તિ અને બાળકને ગ્રુમ કરવાના એક કાઉન્ટ બદલ અને બાળકને જાતીય પ્રવૃત્તી માટે ઉશ્કેરવાના પ્રયત્ન માટે દોષીત ઠેરવી 28 મહિનાની કેદની સજા અને દસ વર્ષ માટે સેક્સ્યુઅલ હાર્મ પ્રિવેન્શન ઓર્ડર કરવામાં આવ્યો હતો. તેને સેક્સ ઓફેન્ડર લીસ્ટમાં સહી કરવા આદેશ કરાયો હતો.
સ્ટુડન્ટ મિનેશ પટેલને પકડનાર ગુપ્ત જૂથ ‘ગાર્ડિયન્સ ઓફ નોર્થ’ના સભ્યો દ્વારા દેખાવ કરાયો હતો કે તેની સાથે ચેટ કરનાર વ્યક્તિ કિશોરી છે. પરંતુ મિનેશ તે વાતથી આજાણ હતો અને તેણે વાતો ચાલુ રાખી હતી. પકડાયા બાદ મિનેશે પોતાને છોડી દેવા માટે ખૂબ જ વિનંતી કરી હતી.
બનાવના દિવસે મિનેશ પટેલ જેને તે તરૂણી માનતો હતો તેને ગેટશેડ મેટ્રો સ્ટેશન પર મળવા જતો હતો. પરંતુ નજીકના ઇન્ટરચેંજ રૂટ પર તેને આંતરવામાં આવ્યો હતો. ગાર્ડીયન ઓફ નોર્થ જૂથ દ્વારા મિનેશ પટેલની બધી પ્રતિક્રિયાની ફિલ્મ ઉતારવામાં આવી હતી. જેમાં મિનેશ તેમને વારંવાર ‘પ્લીઝ સર’ કહી વિનંતી કરતો અને વતન ભારતમાં પોતાનો ‘સારો ભૂતકાળ’ છે અને વિદ્યાર્થી તરીકે આ દેશમાં ‘નવો’ છે તેમ જણાવી રહ્યો હતો. તેણે તે ગૃપ સમક્ષ વિનંતી કરી હતી કે ‘હું તમારા માટે મફતમાં કામ કરી શકું છું.’
પ્રોસીક્યુટર ટોમ મિશેલે કોર્ટમાં કહ્યું હતું કે ‘ગાર્ડીયન ઓફ નોર્થ ગૃપના સભ્ય કે બેલ લૌરી નામની 14 વર્ષની છોકરીનો સ્વાંગ સજી પ્રોફાઇલ અપડેટ કર્યું હતું. 4 ફેબ્રુઆરી 20ના રોજ તેણીનો મીટ 4 યુ ઇન્ટરનેટ સાઇટ પર ‘રાહુલ પટેલ 26’ના નામનું યુઝર નેમ ધરાવતી વ્યક્તિ દ્વારા સંપર્ક કરાયો હતો. તે પછી તેને તરત જ વોટ્સએપ સંદેશ મોકલી ફોટા માંગ્યા હતા. તે પછી તેણે કીસ અને સેક્સ વિશે વાતો કરી પોતે મિડલ્સબરોમાં હોવાનું જણાવી લોકેશન મોકલ્યું હતું. 9 ફેબ્રુઆરીએ તેણે યુવતીને મળવાનું કહ્યું હતું અને જો તે સેક્સ પસંદ કરે છે તો તે સ્વાસ્થ્ય માટે સારું છે એમ કહ્યું હતું. મિનેશ પટેલે તેને કપડા અને અન્ડરવેર વિશે પૂછી ફોટો માગ્યા હતા. જેનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
તે પછી મિનેશે કાઉન્ટી ડરહામના ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં તેના સરનામે બસમાં આવવા માટે પૈસા માંગ્યા હતા. પરંતુ તેણીએ પોતે 14 વર્ષની હોવાથી પૈસા ન હોવાનું જણાવ્યું હતું. આખરે તેમણે 19 ફેબ્રુઆરી 20ના રોજ ગેટ્સહેડ મેટ્રો સ્ટેશન પર મળવાનું નક્કી કર્યું હતું. તે બસ દ્વારા ત્યાં પહોંચતા ત્યાં પહેલાથી જ રાહ જોઇને બેસેલા ‘ગાર્ડીયન ઓફ નોર્થ’ના સભ્યો દ્વારા પહેલાથી મળેલા ફોટોના આધારે આળખી કાઢ્યો હતો અને તેને ઝડપી લેવાયો હતો.
કોર્ટમાં જણાવાયું હતું કે મિનેશે શરૂઆતમાં સગીર યુવતીને સેક્સ માટે મળવા આવ્યો હોવાની ના પાડી હતી, પરંતુ પછી તેણે તેની કબુલાત કરી કહ્યું હતું કે ‘મને માફ કરજો, હું ફરીથી આવું નહીં કરૂ.’
ટોની કોર્નબર્ગે મિનેશનો બચાવ કરતાં કોર્ટને સૂચન કર્યું હતું કે તેની કસ્ટોડિયલ સજાને સ્થગિત કરી પુનર્વસનની શ્રેષ્ઠ તક આપવી જોઇએ અને કોમ્યુનિટી સર્વિસનો હુકમ કરવો જોઇએ. કોર્ટમાં તેના પરિવારના ત્રણ સભ્યો હાજર રહ્યા હતા.
જોકે, જજ રોબર્ટ એડમ્સે મિનેશ પટેલને 28 મહિનાની સજા સંભળાવતા કહ્યું હતું કે ‘તમે સ્પષ્ટ રીતે હોશિયાર અને ક્ષમતાવાળા છો. યુકેમાં સ્ટુડન્ટ વિઝા પર અનુસ્નાતક અભ્યાસ કરો છો. તમને ખબર હતી કે આ સાઇટ્સ પુખ્ત વયના લોકો માટે છે અને તમને અપેક્ષા નહોતી કે બાળકો તે સાઇટ પર આવે. તમને સાફ કહેવામાં આવ્યું હતું કે તમે એક 14 વર્ષની છોકરી સાથે વાત કરી રહ્યા છો છતાં તમે છોકરીને ભોળવવાનું ચાલુ રાખ્યું હતું. તમને કરવામાં આવેલી સજા સ્થગિત કરવા માટે ઘણી લાંબી છે તેથી તાત્કાલિક કસ્ટડીમાં લેવા તે જ યોગ્ય છે.’’