આગામી ફેબ્રુઆરીમાં મિલાપ અને ધ લિવરપૂલ ઈન્ટરનેશનલ જાઝ ફેસ્ટિવલ (LIJF) યુકે દ્વારા LIJFની 10મી વર્ષગાંઠ પ્રસંગે ઈન્ડો-જાઝના શ્રેષ્ઠ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં ઝો રહેમાન અને મિલાપ ઈન્ડો-જાઝ ક્લબ તેમજ બ્રિટિશ એશિયન બાસ સેન્સેશન શેઝ રાજા પોતાની કલા રજૂ કરશે.
LIJF માટે ખાસ ક્યુરેટેડ એવા મિલાપ અને ધ નેશનલ યુથ જાઝ કલેક્ટિવ વચ્ચેના દસ વર્ષના સર્જનાત્મક સહયોગના ફળસ્વરૂપ આ પ્રસંગે તા. 23મી ફેબ્રુઆરીએ સમગ્ર જાઝ અને ભારતીય સંગીત શૈલીમાં યુકેના છ ટોચના સંગીતકારોને એકસાથે રજૂ કરાશે. જેમાં કલાકારો કૌસિક સેન (તબલા), ઈસી બરાટ (બેરીટોન સેક્સ), રોલેન્ડ સુધરલેન્ડ (વાંસળી), જોનાથન મેયર (સિતાર), ઓલિવિયા મૂર (વાયોલિન) અને ઝો રહેમાન (પિયાનો) પર સંગીત પીરસશે.
શનિવારે, 25મી ફેબ્રુઆરીના રોજ ધ કેપસ્ટોનના સ્ટેજ પર બ્રિટિશ-એશિયન બાસ પ્લેયર શેઝ રાજા પોતાની કલા રજૂ કરશે. જેમને બાસ પ્લેયર મેગેઝિનના વાચકો દ્વારા ‘વિશ્વના સૌથી હોટેસ્ટ બાસ પ્લેયર્સ’માંના એક તરીકે તેમને મત આપ્યો હતો.