1964માં લેસ્ટરના હાઈફિલ્ડ વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનના નવા આવનારા વસાહતીઓ માટે ખોલવામાં આવેલો વિખ્યાત ‘મિલન્સ’ સાડી સ્ટોર બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે ગોલ્ડન માઈલ તરીકે ઓળખાતા બેલગ્રેવ રોડ ખાતે ખસેડવામાં આવેલ મિલન સમગ્ર યુકેમાં સાડી અને એશિયન ડ્રેસની ખરીદી માટેનું લોકપ્રિય સ્થળ બની ગયું હતું.
સ્ટોરના માલિક કિશોર ચૌહાણે કહ્યું હતું કે “હું છેલ્લા 65 વર્ષથી અઠવાડિયાના સાતેય દિવસ કામ કરું છું અને આખરે મારા માટે નિવૃત્ત થવાનો અને જીવનનો આનંદ માણવાનો સમય આવી ગયો છે. મારો પરિવાર 1960ના દાયકામાં ઇસ્ટ આફ્રિકાથી યુકે આવ્યો ત્યારે કરિયાણા અને મીઠાઈઓ વેચતી કેટલીક ભારતીય દુકાનો હતી. પરંતુ સાડીઓ વેચતી કોઈ દુકાન ન હતી. મારી બહેનના લગ્ન વખતે તેના કપડા માટે મારી માતાને ખરેખર મુશ્કેલી પડી હતી. તેમણે કાપડ ખરીદી સાડી જાતે બનાવી હતી. જેને કારણે મારી માતાને ધંધો શરૂ કરવાની પ્રેરણા મળી હતી. જ્યારે અમારો છેલ્લો સ્ટોક વેચાઇ જશે ત્યારે દુકાન બંધ થઈ જશે.’’
2014માં, અફઘાનિસ્તાનમાં RAF હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયેલા શ્રી ચૌહાણના ગુપ્તચર અધિકારી પુત્ર રાકેશને શ્રદ્ધાંજલિ આપવા લગભગ 2,000 લોકો ઉપસ્થિત થયા હતા અને આખો ગોલ્ડન માઇલ બંધ કરાયો હતો. મિલન્સમાં ખરીદી કરવા ગ્રાહકો બર્મિંગહામ અને કોવેન્ટ્રીથી આવતા હતા.