સૌંદર્ય પ્રસાધનો દ્વારા સંપત્તિ બનાવનાર બિઝનેસ ટાયકૂન માઈક જટાનિયાએ વેસ્ટ લંડનના ડેનહામ, બકિંગહામશાયરમાં આવેલ ગ્રેડ I લીસ્ટેડ અને જેમ્સ બોન્ડ-થીમ આધારિત સિનેમા રૂમ, કોકટેલ બાર સહિત 12 બેડરૂમ ધરાવતુ ડેનહામ પ્લેસ મેન્શન વેચવાનો નિર્ધાર કર્યો છે. આ મેન્શનને અમેરિકન બેન્કર જેપી મોર્ગન અને જેમ્સ બોન્ડના સહ-નિર્માતા હેરી સાલ્ટ્ઝમેન દ્વારા ભાડે આપવામાં આવ્યું હતું. આ પ્રોપર્ટી જ્યારે પણ વેચાશે ત્યારે તે યુકેના અત્યાર સુધીના સૌથી મોટા કન્ટ્રી હાઉસ ડીલ પૈકીનું એક હશે.
સેન્ટ્રલ લંડનથી 30 મિનિટની ડ્રાઈવ પર આવેલ આ મેન્શન આવતા અઠવાડિયે નાઈટ ફ્રેન્ક, સેવિલ્સ અને બ્યુચેમ્પ એસ્ટેટ્સ દ્વારા £75 મિલિયન ($93.2 મિલિયન)ની આસ્કીંગ પ્રાઇસ સાથે વેચાણ પર જનાર છે.
એંગ્લો-સેક્સન સમયથી વર્તમાન માલિક જટાનિયા ફેમીલી સુધી ડેનહામ પ્લેસના માત્ર સાત માલિકો રહ્યા છે. જટાનિયાએ બ્રિટિશ અમેરિકન ટોબેકો પીએલસી પાસેથી આ મિલકત 23 વર્ષ પહેલા ખરીદી હતી.
મોનાકોમાં રહેતા અને રીજન્ટ્સ ક્રેસન્ટ જેવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરતા શ્રી જટાનિયાએ જણાવ્યું હતું કે “સેન્ટ્રલ લંડનમાં, કેન ગ્રિફીન અને અન્ય હેજ ફંડ મેનેજરોએ મિલકતો ખરીદી છે, તેથી મને ખાતરી છે કે અમેરિકનો તેના પર ધ્યાન આપશે. મિડલ ઇસ્ટના પરિવારોમાં લંડનમાં ઘરો રાખવાની પરંપરા છે. અમે આશા રાખીએ છીએ કે સ્પર્ધાના કારણે વધુ ભાવ મળી શકે છે.”
શ્રી જટાનિયાને આશા છે કે ડેનહામ પ્લેસનો ઈતિહાસ અને સેન્ટ્રલ લંડનની નિકટતાને કારણે તેની કિંમત £75 મિલિયન કરતા વધારે કરશે.