વર્ષ 2020ના ડિસેમ્બરની તુલનાએ આ રવિવારે વધુ માઇગ્રન્ટ્સે ચેનલ પાર રપી હતી. 21-માઇલના ડોવર સ્ટ્રેટમાં ગાઢ ધૂમ્મસનો અવરોધ હોવા છતાં બ્રિટિશ અધિકારીઓએ 11 બોટમાં 274 લોકોને બચાવ્યા હતા. જ્યારે ડિસેમ્બર 2020માં 16 બોટમાં 211 લોકો આવ્યા હતા. બોર્ડર ફોર્સે ડિસેમ્બર મહિના સુધીમાં 44 બોટમાં 1,327 માઇગ્રન્ટ્સની અટકાયત કરી છે, જે વર્ષમાં કુલ 27,938 પર પહોંચી ગઈ છે.
નવેમ્બર મહિનામાં 27 માઇગ્રન્ટ્સના મૃત્યુ થયા હોવા છતાં લોકો ચેનલ પાર કરી રહ્યા છે – આ મૃતકોમાં સાત મહિલાઓ, એક કિશોર અને સાત વર્ષની છોકરીનો સમાવેશ થાય છે, તેમની બોટ ચેનલમાં ડૂબી ગઈ હતી.
ફ્રેન્ચ દરિયા કિનારે, 24 માઇગ્રન્ટ્સને પાણીમાંથી બચાવી લેવામાં આવ્યા હતા. ફ્રેન્ચ સત્તાવાળાઓએ રવિવારે છ બોટમાં ઓછામાં ઓછા 178 માઇગ્રન્ટ્સને પકડ્યા હતા અને તેમને યુકે પહોંચતા અટકાવ્યા હતા.
સરકારની નાની બોટ ટાસ્ક ફોર્સના વડા, ડેન ઓ’મેહોનીએ જણાવ્યું હતું કે, ‘વિશ્વસનીય રીતે, આ ગેંગ નિર્લજ્જ થઇને જીવના જોખમે તેમના જીવલેણ વેપારનું સંચાલન કરે છે. ગેરકાયદે માર્ગો દ્વારા અહીં આવતા લોકો માટે સરકારની નવી ઈમિગ્રેશન યોજના કડક રહેશે, અને તે સુરક્ષિત તેમ જ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરનારાઓ માટે ન્યાયી રહેશે, જે અન્ય પરિબળોને ઘટાડશે.’