બ્રિટનના ગૃહપ્રધાન પ્રીતિ પટેલે જાહેર કરેલી યોજના અન્વયે બ્રિટન સ્થિત ગુનેગારો તેમજ આશ્રય નહીં મેળવી શકેલા કે અન્યથા ગેરકાયદે ઠરેલા માઇગ્રન્ટ્સને પાછા નહીં લેનારા દેશોને બ્રિટનના વીઝાની યાદીમાંથી બાકાત કરાશે. યુ.કે.માંથી 10,000થી વધારે અપરાધીઓને દેશનિકાલ કરવાનું નિશ્ચિત છે. આવા ગેરકાયદે માઇગ્રન્ટ્સને પાછા સ્વીકારવામાં ખચકાટ અનુભવતા દેશોમાં પાકિસ્તાન, ઇરાન, ઇરાક, સુદાન ફિલિપાઇન્સ, એરીટ્રીઆ હોવાનું જાણવા મળે છે. બ્રિટનમાં આશ્રય નહીં મેળવી શકેલા 42000 માઇગ્રન્ટ્સ છે અને તે ઉપરાંત 1906 માઇગ્રન્ટ્સ બ્રિટનમાં ગેરકાયદે ઘૂસી ગયેલા છે.
સરકાર દ્વારા આશ્રયની અરજી મંજૂર કરાઈ ના હોય તેવા 10,000 જેટલા માઇગ્રન્ટ્સ અને તેમના પરિવારો આવાસ અને દર સપ્તાહે 38 પાઉન્ડના એલાઉન્સનો લાભ ગુમાવશે. જે તે વાહનો કે જહાજોમાં સંતાયેલાઓને અટકાવવા જે તે વાહનના ડ્રાઇવરોને 2000 પાઉન્ડનો દંડ કરાશે. નાની હોડીઓ જપ્ત કરી ચેરિટીમાં દાન આપવાની બોર્ડર ફોર્સને સત્તા અપાશે.
અસાયલમ સીસ્ટમમાં પણ ધરખમ સુધારાઃ પ્રીતિ પટેલે દેશના અસાલયમ નિયમોમાં પણ ધરખમ સુધારાની યોજના જાહેર કરી હતી અને કહ્યું હતું કે હાલની અસાલયમ સીસ્ટમ તેના ઉપરનું દબાણ હવે ખમી શકે તેમ નથી. અનેક દાયકાઓ પછી અસાયલમ સીસ્ટમમાં આ સુધારા જાહેર કરાયા છે. સુધારાના હાર્દમાં એ સ્થિતિ ઉપર ભાર મુકાયો છે કે અસાલયમ (આશ્રય) માંગનારા લોકોને ખરેખર આશ્રયની જરૂરત છે કે નહીં તેની ચકાસણી કરાશે અને તેના ઉપર વિશેષ ભાર મુકાશે, લોકોની ગેરકાયદે હેરફેરમાં સંડોવાયેલા લોકો (કબૂતરબાજો) ની નાણાં ખર્ચવાની ક્ષમતા ઉપર નહીં.
નવી યોજના હેઠળ દેશમાં ગેરકાયદે ઘૂષણખોરી સામે કડકાઈ દાખવવામાં આવશે અને એવા નિયમો બનાવાશે, જેના પગલે જે લોકોને યુકેમાં રહેવાનો કોઈ હક્ક નહીં હોય તેમને તેમના વતન પાછા મોકલી આપવાનું આસાન બની રહેશે.
પ્રીતિ પટેલે કહ્યું હતું કે ઈમિગ્રેશન માટેની અમારી નવી યોજનામાં ગેરકાયદેસર રીતે યુકેમાં પ્રવેશ્યા હોય તેવા લોકોને કાનૂની રીતે પ્રવેશેલા લોકોની તુલનાએ ઓછા હક્ક કે સુરક્ષા મળશે.
ગેરકાયદે પ્રવેશેલા લોકો માટે યુકેમાં રોકાઈ રહેવું વધારે મુશ્કેલ બનશે. જો કે, માનવાધિકારના હિમાયતી જૂથોએ આ યોજનાની આકરી ટીકા કરી હતી, તો વિરોધ પક્ષ લેબર પાર્ટીએ કહ્યું હતું કે આ ફેરફારોથી સ્થિતિમાં કોઈ ફરક નહીં પડી શકે.