પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

યુરોપમાં માઇગ્રન્ટ અને શરણાર્થીઓ માટે પ્રવેશ કરવાનું વધુ મુશ્કેલ બનશે. યુરોપિયન યુનિયનના પ્રધાનોએ મંગળવારે માઇગ્રેશન અને આશ્રય કાયદાને કડક બનાવવાની દરખાસ્તને અંતિમ મંજૂરી આપી હતી. તેનાથી હાલની માઇગ્રેશન નીતિમાં ધરખમ સુધારા થશે.

જૂનમાં યુરોપિયન યુનિયનની ચૂંટણી પહેલા અધિકારીઓ માઇગ્રેશન સુધારાને સમેટી લેવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યાં છે. ખાસ કરીને 2015માં શરણાર્થીઓના થયેલા ધસારાને કારણે આ મુદ્દે રાજકીય મતભેદો પણ છે.

માઇગ્રેશન નીતિમાં સુધારાને ભાગરૂપે 10 કાયદા અમલી બનશે. યુરોપિય યુનિયનના મોટાભાગના સભ્ય દેશોએ આ સુધારાને સમર્થન આપ્યું છે. જોકે હંગેરી અને પોલેન્ડે સમગ્ર સુધારા પેકેજની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું, જ્યારે ઓસ્ટ્રિયા અને સ્લોવેનિયા જેવા દેશોએ ચોક્કસ નિયમોનો વિરોધ કર્યો હતો.

નવા કાયદાઓ હેઠળ યુરોપના તમામ 27 દેશોએ શરણાર્થી માટેની અરજીઓનું સંચાલન કરવા માટે કેટલીક જવાબદારી લેવી પડશે. આની સાથે શરણાર્થી માટેની અરજીના નિયમો પણ કડક કરવામાં આવ્યાં છે. આ કાયદાઓમાં કેટલાંક પ્રકારના શરણાર્થીઓને રોકવા માટે બોર્ડર પ્રોસિજર સ્થાપિત કરવાની જોગવાઈ છે. તેનાથી બોર્ડર પર શરણાર્થીઓનું સ્ક્રીનિંગ થશે અને જો નિયમ મુજબ નહીં હોય તો તેમને પરત મોકલવામાં આવશે. અરજદારોએ નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી રિસેપ્શન સેન્ટર પર 12 અઠવાડિયા વિતાવવાના રહેશે. કાયદા અનુસાર યુરોપમાં આવનારાઓની લોકોના ફિંગરપ્રિન્ટ્સ અને ફોટાઓ સાથે રજિસ્ટ્રેશન કરાશે, જેનાથી જાહેર હિત સામે કોઇ જોખમ ઊભું ન થાય.

LEAVE A REPLY