(istockphoto.com)

અગ્રણી સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટ કર્મચારીઓને કાયમી ધોરણે વર્ક ફ્રોમ હોમની છૂટ આપશે. કર્મચારીઓને ઓફિસ ઉપરાંત કાયમી ધોરણે ઘરેથી કામ કરવાનો વિકલ્પ આપવામાં આવશે, એમ અમેરિકાના મીડિયામાં જણાવામાં આવ્યું હતું.

વિશ્વમાં ટેકનોલોજી ન્યૂઝ માટે જાણીતી વેબસાઈટ વર્જના અહેવાલ મુજબ કોરોના મહામારીને પગલે કંપનીને આગામી વર્ષના જાન્યુઆરીથી યુએસ ઓફિસ ફરી ન ખુલે તેવી ધારણા છે. પરંતુ ઓફિસ ફરી ખોલવામાં આવે ત્યારે કર્મચારીઓને કાયમી ધોરણે તેમના ઘેરથી કામ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે આવા કેસોમાં ઓફિસ સ્પેસ છોડી દેવાની રહેશે.

આ ક્ષેત્રના નિષ્ણાતોના મત પ્રમાણે જે કર્મચારીઓની વર્ક પ્રોફાઈલમાં ઓફિસ આવવું જરૂરી નહીં હોય તેમના કિસ્સામાં ઘરેથી કામ કરવાનો વિકલ્પ ખુલ્લો રહેશે, પરંતુ જેમને ઓફિસ આવવું જરૂરી હશે તેમણે ઓફિસે આવીને જ કામ કરવું પડશે. અહેવાલમાં દાવો થયો હતો કે મહામારી પછી પણ આ રીતે બંને વિકલ્પ આપનારી આ દુનિયાની પ્રથમ કંપની છે.

ઉલ્લેખનીય છે કે માઈક્રોસોફ્ટ ઉપરાંત ફેસબુક, ટ્વિટર જેવી કંપનીઓએ લોકડાઉનના સમયગાળાથી જ દુનિયાભરમાં 2021 સુધી વર્ક ફ્રોમ હોમની પરવાનગી આપી છે. જાન્યુઆરી-2021થી આ દુનિયાભરમાં કાર્યરત આ કંપનીઓની ઓફિસો ફરીથી ચાલુ થશે.