અમેરિકાના મિશિગન રાજ્યનાં ડેમોક્રેટિક પાર્ટીનાં ગવર્નર સુશ્રી ગ્રેટેન વ્હીટમેરનું અપહરણનું કાવતરૂં ઝડપાયા પછી કાવતરાના આરોપસર છ શકમંદોની ધરપકડ કરાઈ છે, તેમની સામે ડોમેસ્ટિક ટેરરિઝમના આરોપો મુકાશે. સશસ્ત્ર ત્રાસવાદીઓના કાવતરામાં આ લોકો પણ ભાગીદાર બન્યાનો પણ તેમની સામે આરોપ છે. વધુ એક શકમંદ સાઉથ કેરોલાઈનામાં છે, તેને સ્થાનિક પોલીસના હવાલે કરાયા પછી તેની સામે કાર્યવાહી થશે.
પ્રોસિક્યુટર્સના જણાવ્યા મુજબ આ સાતેય વોલ્વરાઈન વોચમેન તરીકે ઓળખાતા સરકાર વિરોધી ઉગ્રવાદી ગ્રુપના સભ્યો છે અને ધરપકડ કરાયેલા છ આરોપીઓને ગયા સપ્તાહે બુધવારે કસ્ટડીમાં લેવાયા હતા. આ લોકો સામે હિંસાની ધમકી આપી સ્થાનિક લોકોને ઉશ્કેરી અશાંતિ ફેલાવવાનો તેમજ લાન્સિંગમાં મિશિગન રાજયની સરકારી ઓફિસોમાં ઘૂસી જઈ સરકારી અધિકારીઓને બાનમાં પકડવાના કાવતરાનો પણ આરોપ છે.
મિશિગન રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મહત્ત્વનું રાજય છે અને ડેમોક્રેટ ગવર્નરે અહીં કોરોના વાઈરસના રોગચાળાને નાથવા લોકડાઉનના આકરા નિયંત્રણ લાદતાં ટ્રમ્પ તેમજ તેમના સમર્થકોએ અહીં જોરદાર આંદોલન ચલાવ્યું હતું. આ આદેશોના કારણે વિવિધ ઉદ્દામવાદી જૂથો પણ ગવર્નર સામે રોષે ભરાયેલા હતા અને લોકડાઉનનો ઉગ્ર વિરોધ કર્યો હતા.