આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને માનવ અધિકાર દિવસ નિમિત્તે શુક્રવારે યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લી દ્વારા જાહેર કરાયેલ પ્રતિબંધીત લોકોની નવી યાદીમાં પાકિસ્તાનના સિંધના ઘોટકીમાં આવેલી ભરચુંડી શરીફ દરગાહના મિયાં અબ્દુલ હકનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. મૌલવી અબ્દુલ હક પર હિન્દુઓ સહિત ધાર્મિક લઘુમતીઓની છોકરીઓ અને મહિલાઓના બળજબરીથી ધર્મ પરિવર્તન અને લગ્ન કરાવવા માટે જવાબદાર હોવાનો આરોપ છે. આ યાદીમાં 30 જેટલા માનવાધિકાર ઉલ્લંઘનકારો, ભ્રષ્ટ અધિકારીઓ અને સંસ્થાઓનો સમાવેશ કરાયો છે.
આ યાદીમાં ગંભીર પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીમાં સામેલ વ્યક્તિઓ અને સંસ્થાઓનો સમાવેશ થાય છે જેઓ કેદીઓની યાતનાઓ, નાગરિકો પર બળાત્કાર કરવા માટે સૈનિકોના એકત્રીકરણ અને વ્યવસ્થિત અત્યાચાર કરે છે.
મૌલવી અને રાજકારણી હક પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં સ્થાનિક રીતે પ્રભાવશાળી છે અને પ્રાંતમાં લઘુમતીઓ, મોટાભાગે હિંદુઓના બળજબરીથી ધર્માંતરણ માટે વર્ષોથી તેની ટીકા કરાય છે. આ પ્રતિબંધો અંતર્ગત વ્યક્તિઓ અને સંસ્થાઓની સંપત્તિ ફ્રીઝ કરાય છે અને મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવે છે. પ્રતિબંધોની યાદીમાં સમાવાયેલા લોકોની યાદીમાં રશિયા, યુગાન્ડા, મ્યાનમાર અને ઈરાનના લોકોનો સમાવેશ થાય છે.