મહેસાણાની મેજિસ્ટરિયલ કોર્ટે સરકારની મંજૂરી વગર આઝાદી માર્ચ કાઢવાના પાંચ વર્ષ જૂના કેસમાં વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને બીજા નવ વ્યક્તિને ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જે એ પરમારે જગ્નેશ મેવાણી, એનસીપીના કાર્યકર્તા રેશ્મા પટેલ સહિતના 10 વ્યક્તિને ભારતીય દંડ સંહિતની કલમ 143 હેઠળ ગેરકાયદે એકઠા થવાના આરોપમાં દોષિત જાહેર કર્યા હતા. જિગ્નેશ મેવાણીના રાષ્ટ્રીય દલિત અધિકાર પંચે આ રેલી કાઢી હતી. કોર્ટે તમામ 10 દોષિતને પ્રત્યેકને રૂ.1,000નો દંડ પણ ફટકાર્યો હતો.
મહેસાણા એ ડિવિઝન પોલીસે જુલાઈ 2017માં પરવાનગી વગર મહેસાણાથી બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સુધી આઝાદી માર્ચ કાઢવા માટે આઇપીસીની કલમ 143 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પાટીદાર નેતા રેશ્મા પટેલ તે સમયે કોઇ રાજકીય પક્ષના સભ્ય ન હતા.