ફાઇલ ફોટો . (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વિડિયો કોન્ફરન્સ મારફત અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. ફેઝ-2ના કોરિડોર-1 હેઠળ મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો રેલ જોડાણ ચાલુ થશે, જેની લંબાઈ 22.8 કિમી છે. આ રૂટ સંપૂર્ણપણે એલિવેટેડ કોરિડોર છે, જેમાં 20 આધુનિક એલિવેટેડ મેટ્રો સ્ટેરશનનું નિર્માણ થશે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સના ફેઝ-2 હેઠળ ગાંધીનગર અને અમદાવાદ શહેર વચ્ચે રેલ જોડાણ થશે. આ રેલવે લાઇનની કામગીરી 2024માં પૂરી થવાનો અંદાજ છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ફેઝ-1ની કુલ લંબાઈ 40.3 કિમી છે, જેમાંથી 6.5 કિમીની કામગીરી માર્ચ 2019માં પૂરી થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના 33.3 કિમીની લાઇનનું બાંધકામ અંતિમ તબક્કામાં છે અને તે ઓગસ્ટ 2022 સુધીમાં પૂરી થવાની ધારણા છે.