ભારતની સૌથી મોટી રિટેલ ચેઈન બિગ બજાર નાદારીના આરે ત્યારે જર્મની અગ્રણી રિટેલ કંપની મેટ્રો ભારતના બજારમાંથી એક્ઝિટ લેવાની વિચારણા કરી રહી છે. મેટ્રો બ્રાન્ડ ભારતના કેશ-એન્ડ-કેરી બિઝનેસને 1.5-1.75 બિલિયન ડોલર વેલ્યુએશનમાં વેચીને ભારતીય બજારમાંથી બહાર નીકળવાની યોજના બનાવી રહી છે. તેમ એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
મેટ્રો એજી 2003થી ભારતીય બજારમાં બિઝનેસ ચલાવે છે અને 31 કેશ-એન્ડ-કેરી સ્ટોર્સની ચેઈનનું સંચાલન કરે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં મેટ્રો એજીના બિઝનેસ માટે યોગ્ય ખરીદદાર શોધવા માટે જેપી મોર્ગન અને ગોલ્ડમેન સાક્સની નિમણૂક કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યા અનુસાર ઓફલાઈન રિટેલ સેક્ટરમાં ઓછી કિંમત, માલની મફત ડિલિવરી અને નકારાત્મક EBITDA જેવા મૂળભૂત કારણોસર કંપનીને ભારતીય કારોબાર ચલાવવા પર દબાણ સર્જાતા હવે એક્ઝિટની યોજના બનાવી છે.
મીડિયા રિપોર્ટ મુજબ જર્મન કંપનીના ભારતીય કારોબારને ખરીદવા માટે એમેઝોન, રિલાયન્સ રિટેલ, એવન્યુ સુપરમાર્ટ્સ, ટાટા ગ્રૂપ, લુલુ ગ્રૂપ અને પીઇ ફંડ સમારા કેપિટલ જેવી કંપનીઓને રસ છે.