મેટ પોલીસ ઓફિસર પીસી ડેવિડ કેરિકે ડઝનેક બળાત્કાર સહિત 49 ગુના માટે દોષિત હોવાનો અને જાતીય ગુના આચર્યા હોવાનો સ્વીકાર કર્યા બાદ મેટ્રોપોલિટન પોલીસે પોતાના સ્ટાફના 1,000 જાતીય અને ઘરેલુ દુર્વ્યવહારના દાવાઓની તપાસ કરી રહી છે જેમાં તેના લગભગ 800 અધિકારીઓ સામેલ હોવાની મેટ પોલીસ કમિશનર સર માર્ક રાઉલીએ કબુલાત કરી હતી.
તેમણે જાહેરાત કરી હતી કે તમામ 45,000 મેટ અધિકારીઓ અને કર્મચારીઓના અગાઉ ચૂકી ગયેલા ગુનાઓ માટે ફરીથી તપાસ કરાશે. તેમણે પોલીસ ફોર્સની નિષ્ફળતા માટે પીસી કેરિકના પીડિતોની માફી પણ માંગી હતી.
મેટ પોલીસે જણાવ્યું હતું કે યોગ્ય નિર્ણયો લેવામાં આવે તેની ખાતરી કરવા માટે છેલ્લા 10 વર્ષમાં 1,071 અધિકારીઓ અને અન્ય સ્ટાફ સાથે સંકળાયેલા કથિત જાતીય અપરાધો અથવા ઘરેલુ હિંસાના કુલ 1,633 કેસોની સમીક્ષા કરાઇ રહી છે.
કેરિકે ડિસેમ્બરમાં બળાત્કારના 20 કાઉન્ટ સહિત 43 આરોપો માટે પહેલેથી જ દોષીત હોવાનું કબૂલ્યું હતું અને સોમવારે અંતિમ છ કાઉન્ટનો સ્વીકાર કર્યો હતો. તેણે બે દાયકામાં 12 મહિલાઓ સામે ગુના કર્યા હતા.