મર્સીસાઇડના લેબર પક્ષના ચૂંટાયેલા પોલીસ અને ક્રાઈમ કમિશનર (PCC) એમિલી સ્પર્રેલ પોતાના પોલીસ દળને સંસ્થાકીય રીતે રેસીસ્ટ જાહેર કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. જેને કારણે તેઓ ચિફ કોન્સ્ટેબલ અને રેન્ક-એન્ડ-ફાઈલ અધિકારીઓ સાથે મતભેદમાં મૂકાયા છે.
તેમણે જણાવ્યું હતું કે આ દાવો કરવો યોગ્ય છે અને જેટલી વહેલી તકે આપણે તેને સ્વીકારીએ તેટલા જ તેને યોગ્ય કરવા માટે આગળ વધી શકીએ છીએ. હું અધિકારીઓને વ્યક્તિગત રીતે રેસીસ્ટ નથી કહેતી, પરંતુ અશ્વેત અને વંશીય લઘુમતીઓ સામે સંસ્થાકીય અને સામાન્ય પૂર્વગ્રહ વિશે હું ટિપ્પણી કરૂ છું.’’
ચિફ કોન્સ્ટેબલ સેરેના કેનેડી અને સ્થાનિક પોલીસ ફેડરેશન દ્વારા તેમની ટિપ્પણીઓને સખત રીતે નકારી કાઢવામાં આવી હતી. કોન્સ્ટેબલ, સાર્જન્ટ અને ઈન્સ્પેક્ટરનો હોદ્દો ધરાવતા અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતા સ્થાનિક પોલીસ ફેડરેશને સ્પર્રેલની ટિપ્પણીઓને નકારી કાઢી તેને “ખૂબ નિરાશાજનક” ગણાવી હતી.
અશ્વેત અને વંશીય લઘુમતીના લોકોની ભરતીમાં સુધારો કરવાના પ્રયાસો છતાં, ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 90 ટકાથી વધુ પોલીસ અધિકારીઓ શ્વેત છે.