રાણી એલિઝાબેથી બીજાના પૌત્ર પ્રિન્સ હેરીને પરણેલાં ડચેસ ઓફ સસેક્સ મેઘન મર્કલ બ્રિટિશ – અખબારી ગ્રુપ સામેનો “પ્રાઇવસી દાવો” જીત્યા છે. મેઘને પોતાના પિતા થોમસને લખેલો ખાનગી પત્ર આ અખબારે છાપ્યો હતો. જજ માર્ક વોર્બીએ રૂલિંગ આપ્યું હતું કે મેઘનને તેના પત્રની વિગતો ખાનગી રહે તેવી વાજબી અપેક્ષા હોઇ જ શકે.
પ્રિન્સેસ હેરી સાથે લગ્નના થોડા મહિના પછી થોમસ મર્કલને પાઠવેલા પત્રમાં મેઘને તેના પિતાને પોતાના (મેઘન) વિષે ખોટા દાવા કરવાથી દૂર રહેવા જણાવ્યું હતું. મેઘને મેઇલ ઓન સન્ડે વિકલી, ડેઇલી મેઇલ અને મેઇલ ઓનલાઇન વેબસાઇટે વ્યક્તિગતોને એક રમત તરીકે લીધાનો આક્ષેપ મૂકી પ્રાઇવસી દાવો માંડ્યો હતો.
ગત વર્ષના માર્ચમાં શાહી ફરજો છોડી હાલ કેલિફોર્નિયામાં વસતા હેરી અને 39 વર્ષના મેઘને તેમના પુત્ર આર્ચીના પાપારાઝી ફોટા અંગે પણ કાનૂની પગલાં લીધા છે, જેની લોકોએ ટીકા પણ કરી હતી. 39 વર્ષના મેઘને જજ વોર્બીના રૂલિંગને આવકારી કોર્ટનો આભાર માન્યો હતો.
વોર્બીએ તેમના રૂલિંગમાં ઠરાવ્યું હતું કે, પત્રની પ્રકાશિત વિગતો વધારે પડતી હોઇ ગેરકાયદે છે. સામાપક્ષે મીડિયા ગ્રુપે દલીલ કરી હતી કે, અગાઉ યુ.એસ. મેગેઝીન પીપલમાં પ્રકાશિત અધુરી વિગતો તેમણે સુધારી હતી.