વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના શહીદ સૈનિકોના સન્માનમાં સ્વતંત્રતા દિવસ સુધી ‘મેરી માટી મેરા દેશ‘ અભિયાન શરૂ કરવાની રવિવારે જાહેરાત કરી હતી. મન કી બાત રેડિયો કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું હતું કે અમૃત મોહત્સવ સર્વત્ર ગુંજી રહ્યો છે અને 15 ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે દેશમાં ‘મેરી માટી મેરા દેશ‘ નામનું એક મોટું અભિયાન શરૂ કરાશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દેશ માટે જીવ આપનાર શહીદોની યાદમાં સમગ્ર ભારતમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ હસ્તિઓની યાદમાં દેશની લાખો ગ્રામ પંચાયતોમાં વિશેષ શિલાલેખો સ્થાપિત કરાશે. આ અભિયાન દરમિયાન ‘અમૃત કળશ યાત્રા‘ પણ કાઢવામાં આવશે. ગામડાઓ અને દેશના વિવિધ ખૂણેથી 7,500 કળશમાં માટી લઈને દિલ્હી આ આ અમૃત કળશ યાત્રા દિલ્હી પહોંચશે. આ યાત્રામાં દેશના વિવિધ ભાગોમાંથી છોડ પણ લઈ જવાશે. આ 7,500 કળશની માટી અને છોડમાંથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક અમૃત વાટિકા બનાવવામાં આવશે.