ઓલિમ્પિક્સમાં ભારતના હોકી ઈતિહાસમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારતીય ટીમે ટોકિયોમાં ગયા સપ્તાહે બ્રોંઝ મેડલ માટેના જંગમાં જર્મનીને 5-4 હરાવી 41 વર્ષ પછી ફરી મેડલ હાંસલ કર્યો હતો. ભારતીય ટીમને છેલ્લે 1980માં મોસ્કો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો.
હોકીમાં ભારતનો ભૂતકાળ શાનદાર રહ્યો છે. ઓલિમ્પિક્સ આ અગાઉ ભારતને નામે 8 ગોલ્ડ મેડલ હતા. આ ઉપરાંત બે બ્રોંઝ અને એક સિલ્વર એમ કુલ 11 મેડલ મળેલા હતા. જો કે, 1980 પછી ભારતનો દેખાવ સતત બગડતો રહ્યો હતો ટીમ 2008ની ઓલિમ્પિક્સમાં તો ભારત ક્વોલિફાય પણ થયું નહોતું.
આ વખતે જર્મની સામેના બ્રોંઝ મેડલના જંગમાં ભારતે 5-4થી 41 વર્ષના હોકીના મેડલના દુષ્કાળનો અંત આણ્યો હતો. ભારત માટે સિમરનજીત સિંઘે બે, હરમનપ્રીત સિંઘ, રૂપિંદર પાલ અને હાર્દિક સિંઘે એક-એક ગોલ કરી મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ટીમે ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર રમત આગળ ધપાવી મેચમાં વાપસી કરી હતી. એ ક્વાર્ટરમાં ભારતે બે ગોલ કરી 5-3થી લીડ મેળવી લીધી હતી.
ભારત માટે મેચ શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ બીજા ક્વાર્ટરમાં ટીમે મુકાબલામાં શાનદાર વાપસી કરી હતી. બીજા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે કુલ પાંચ ગોલ કર્યા હતા, તો ભારત 3-3થી બરોબરીમાં આવી ગયું હતું.