રાજ્યાભિષેક સમારોહમાં ઉપસ્થિત રહેલા કાર્ડિફ યુનિવર્સિટીના મેડિકલ જીનેટિક્સના એમેરિટ્સ પ્રોફેસર મીના ઉપાધ્યાય, OBE, PhD FRCPath FLSW એ જણાવ્યું હતું કે ‘’એક અસાધારણસ અદ્ભુત અને ઐતિહાસિક સમારોહની યાદો હંમેશા મારી સાથે રહેશે અને હું આ તક મેળવીને ખૂબ જ આનંદ અનુભવું છું અને આશા રાખું છું કે આ અદ્ભુત યાદોને મારા પૌત્ર-પૌત્રો સાથે શેર કરી શકું.’’
મીનાબેને જણાવ્યું હતું કે ‘’વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રાજ્યાભિષેકમાં હાજરી આપવી એ એક સન્માન હતું. સમારંભના ચાર કલાક પહેલાથી ત્યાં હાજર રહી હોવાથી મને એબીની ઝીણી વિગતોને ગ્રહણ કરવાની અને આ ભવ્ય, યાદગાર દિવસના ગુંજારવમાં ભીંજવવાની તક મળી હતી. સુરક્ષા તપાસ માટે કતારમાં ઊભી હતી ત્યારે મેં એમ્મા થોમ્પસન સાથે ટૂંકી વાતચીત કરી હતી તો અમે એબી છોડી રહ્યા હતા ત્યારે PM ઋષિ સુનક સાથે હાથ મિલાવવાનો અને વાત કરવાનો લહાવો મળ્યો હતો.’’
મીનાબેને જણાવ્યું હતું કે ‘’વૈશ્વિક સ્તરે પ્રખ્યાત દેશોના વડાઓ, કોમનવેલ્થ અધિકારીઓ, વરિષ્ઠ રાજકારણીઓ, મહાનુભાવોને જોઇને ખૂબ જ ઉત્સાહિત હતી. રાજ્યાભિષેક સંગીત અદભૂત હતું જેમાં લશ્કરી બેન્ડ, ગાયકવૃંદ, એન્ડ્રુ લોયડ વેબર સહિત અસાધારણ કલાકારોએ પરંપરાગત અને આધુનિક શૈલીઓનો સમાવેશ થયો હતો.‘’