આસામના સૌથી જૂના ઉગ્રવાદી સંગઠન-યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઑફ આસામ (ઉલ્ફા)ના મંત્રણા તરફી જૂથે ગત શુક્રવારે નવી દિલ્હીમાં ભારત સરકાર અને આસામ સરકાર સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર અંતર્ગત ઉલ્ફા હિંસાનો ત્યાગ કરશે, તમામ શસ્ત્રો સરન્ડર કરશે, સંગઠનનું વિસર્જન કરશે અને લોકશાહીની પ્રક્રિયામાં સામેલ થશે. આ કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે ભારત સરકારના ગૃહ પ્રધાન અમિત શાહ અને આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા હાજર હતા. આ પ્રસંગે ULFAના વડા અરબિન્દા રાજખોવાના નેતૃત્વમાં 16 સભ્યોનું પ્રતિનિધિમંડળ ઉપરાંત સિવિલ સોસાયટીના 13 પ્રતિનિધિઓ પણ હાજર હતાં.

આ કરારને આસામના લોકો માટે સોનેરી દિવસ ગણાવતા ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, ઉલ્ફાની હિંસાને કારણે આસામ લાંબા સમયથી સહન કરી રહ્યું છે અને 1979થી અત્યાર સુધી આ હિંસામાં 10,000 લોકોએ જીવ ગુમાવ્યા છે. શાંતિ કરારના ભાગરૂપે આસામને એક મોટું વિકાસ પેકેજ અપાશે. કરારની દરેક કલમનો સમયબદ્ધ રીતે સંપૂર્ણ અમલ કરાશે. આ કરાર શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને બળવાખોરી મુક્ત પૂર્વોત્તર તથા આસામમાં કાયમી શાંતિ, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ લાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને પરિપૂર્ણ કરવા માટેનો એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

છેલ્લાં પાંચ વર્ષમાં ઉત્તરપૂર્વના રાજ્યોમાં વિવિધ ઉગ્રવાદી જૂથો અને અને વિવિધ રાજ્ય સરકારો વચ્ચે શાંતિ અને સીમા સંબંધિત કુલ નવ કરારો કરાયા છે અને તેનાથી મોટાભાગના વિસ્તારમાં શાંતિની સ્થાપના થઈ છે. 9,000થી વધુ ઉગ્રવાદીઓ આત્મસમર્પણ કર્યું છે અને આસામના 85 ટકા વિસ્તારમાં આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હટાવી લેવાયો છે. 2014માં મોદી સરકારની રચના બાદ આસામમાં હિંસાની ઘટનાઓમાં 87 ટકા, મૃત્યુમાં 90 ટકા અને અપહરણની ઘટનાઓમાં 84 ટકાનો ઘટાડો થયો છે. અત્યાર સુધીમાં એકલા આસામમાં 7,500 કેડરોએ આત્મસમર્પણ કર્યું છે. કરાર પર હસ્તાક્ષર કર્યા પછી તેમાં 750નો વધારો થશે.

LEAVE A REPLY