ભારતના ભાગેડૂ ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીએ ડોમિનિકાની કોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ ફરી એન્ટિગુઆ એન્ડ બાર્બુડામાં પ્રવેશ કર્યો છે. ડોમિનિકામાં ગેરકાયદેસર પ્રવેશ બદલ ચોક્સી 51 દિવસ દિવસ કસ્ટડીમાં રહ્યા હતાં, એમ સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું.
ભારતમાંથી ભાગ્યા બાદ મેહૂલ ચોક્સી 2018થી એન્ટિગુઆમાં રહે છે.તેમણે ત્યાં નાગરિકતા પણ લીધી છે. 62 વર્ષીય ચોક્સીને મેડિકલ સારવાર મેળવવા માટે એન્ટિગુઆમાં પ્રવાસ કરવાની ડોમિનિકાની હાઇ કોર્ટે મંજૂરી આપી હતી.
જામીન પેટે 10,000 એન્ટિગુઆ ડોલરની ચુકવણી કર્યા બાદ શર્ટ અને શોર્ટ પહેરીને ચોક્સીએ ચાર્ટર્ડ પ્લેનમાં એન્ટુગુઆની વાટ પકડી હતી. જામીન માગતી વખતે ચોક્સીએ સીટી સ્કેન સહિતના મેડિકલ રિપોર્ટ સુપરત કર્યા હતા. રિપોર્ટમાં હેમાટોમા (મગજથી જોડાયેલી બીમારી) સંબંધી સ્થિતિ ખરાબ થવાની વાત કહેવામાં આવી હતી.
ચોક્સીને ભારતે રૂ.13,500 કરોડના બેન્ક કૌભાંડમાં વોન્ટેડ જાહેર કર્યો છે. ચોક્સી 23મેએ એન્ટીગુઆમાંથી લાપતા થયા હતા અને ડોમિનિકામાં દેખાયા હતા. ડોમિનિકામાં કથિત ગર્લફ્રેન્ડ સાથે પ્રવેશ બાદ ગેરકાયદેસર પ્રવેશ બદલ ધરપકડ થઈ હતી.