જમ્મુ અને કાશ્મીરની પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફ્તીએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના મુદ્દે ભાજપ પર નિશાન તાકતા સોમવારે જણાવ્યું હતું કે લખીમપુર ખીરીની ઘટના કોઈને દેખાતી નથી અને 23 વર્ષના એક છોકરાને કેન્દ્રીય એજન્સીઓ ટાર્ગેટ કરી રહી છે. મુફ્તીએ આક્ષેપ કર્યો હતો કે આર્યન ‘ખાન’ હોવાથી તેને પરેશાન કરવામાં આવી રહ્યો છે.
મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે “ચાર ખેડૂતોની હત્યાના આરોપમાં કેન્દ્રીય પ્રધાનના પુત્રને ઉદાહરણ રૂપ સજા આપવાના બદલે એજન્સીઓ 23 વર્ષના છોકરાને પરેશાન કરી રહી છે કારણ કે તેની સરનેમ ખાન છે. ન્યાયની વિડંબણા એ છે કે, ભાજપની મૂળ વોટ બેંકને ખુશ કરવા માટે મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.”
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનને ડ્રગ રેડ કેસમાં પકડ્યો છે ત્યારથી શાહરૂખ ખાન અને તેના પરિવારને ચારેબાજુથી સપોર્ટ મળી રહ્યો છે. સલમાન ખાન, સંજય કપૂર, કરણ જોહર જેવા મિત્રોએ શાહરૂખના ઘરે જઈને તેને હિંમત આપી હતી. જ્યારે બોલિવુડના અન્ય સેલિબ્રિટીઝ સોશિયલ મીડિયાના માધ્યમથી શાહરૂખ-ગૌરીનો સપોર્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં ફેન્સ પણ ‘મન્નત’ની બહાર એકઠા થઈને શાહરૂખનો સપોર્ટ કરી રહ્યા છે.