ઇસ્ટ લંડનના ઈસ્ટ હેમમાં બાયરન એવન્યુ ખાતે રહેતા 68 વર્ષીય મેહરસિંહ કટારીયાની તેમના ઘરમાં ઘુસીને કોઈ દેખીતા કારણ વગર છરાના વાર કરી નિર્દયતાથી હત્યા કરનાર હત્યારાઓની 16 વર્ષ બાદ હજૂ પણ પોલીસ શોધખોળ કરી રહી છે. આશ્ચર્યજનક રીતે હુમલાખોરોએ તેમના દેહને ટેબલક્લોથથી ઢાંકી દીધો હતો. તેમના ઘરમાંથી માત્ર £200 રોકડ લુટવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
હત્યારાઓની માહિતી માટે £20,000 ઈનામની જાહેરાત કરાઇ હતી અને પોલીસ અને મીડિયા દ્વારા સંખ્યાબંધ અપીલો કરાઇ હોવા છતાં તેમના હત્યારાઓની હજૂ કોઇ માહિતી મળી નથી. તેમના પાંચ બાળકો અને 13 પૌત્રો ધરાવતા નિવૃત્ત દરજી મેહરસિંહ એકલા રહેતા હતા અને સાત વર્ષ અગાઉ પત્ની ગુમાવી હતી. છેલ્લી વાર તેમને 3 ફેબ્રુઆરી, 2006ના રોજ સવારે 9 વાગ્યે તેમના પાડોશીઓએ જોયા હતા. તેમનો મૃતદેહ તેના બેડરૂમના ફ્લોર પર લોહીના ખાબોચીયામાંથી મળી આવ્યો હતો.
તેમના ઘરમાં વિક્ષેપ અથવા બળજબરીથી પ્રવેશના કોઈ ચિહ્નો જણાયા ન હતા. જેથી મનાય છે કે મેહર તેમના હત્યારાઓને જાણતો હશે.
2006 માં, DCI કાર્લ મહેતાએ કહ્યું હતું કે “શ્રી કટારિયા સુરક્ષા પ્રત્યે ખૂબ જ જાગૃત માણસ હતા. મને લાગે છે કે તેઓ તેમના હત્યારાને ઓળખતા હશે. પૂછપરછ બાદ મને વિશ્વાસ છે કે શ્રી કટારિયાના હત્યારા એશિયન સમુદાયમાંથી, સંભવતઃ શીખ સમુદાયમાંથી હોઈ શકે છે.’’
પોલીસ બે ભારતીય પુરુષોને શોધી રહી છે કે જેઓ મેહર સિંહ જ્યાં રહેતા હતા ત્યાં રસ્તા પર ઉભા રહેલા જોવા મળ્યા હતા અને હત્યાના દિવસે ઘરના આગળના બગીચામાં જોવા મળ્યા હતા. તેઓ ચાળીસેક વર્ષના હતા અને બિલ્ડર્સ પહેરે તેવા કપડા પહેરેલા હતા. તેઓ ભારતીય લઢણનું પંજાબી બોલતા હતા. મીડિયાની અપીલો છતાં, બંને માણસોને ક્યારેય શોધી શકાયા નથી.