ભારતમાં નેઋત્યના ચોમાસાએ શુક્રવાર (29 સપ્ટેમ્બર)એ વિદાય લીધી હતી. ચોમાસાની આ સિઝનમાં સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં સત્તાવાર રીતે ગુરુવારે ચોમાસાએ વિદાય લીધી હતી અને રાજ્યમાં આ સીઝનમાં સામાન્ય કરતાં 28 ટકા વધુ વરસાદ પડ્યો છે. જોકે ચોખાનું ઉત્પાદન કરતાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં વરસાદની ખાધ રહી છે અને તેનાથી કૃષિ ઉત્પાદનને સીધી અસર થવાની ધારણા છે.
એકંદરે દેશમાં 100 ટકાથી વધુ વરસાદ થયો હતો, પરંતુ કેટલાંક વિસ્તારમાં ખાધ અને કેટલાંક વિસ્તારમાં અતિવૃષ્ટી થઈ હતી. રણપ્રદેશ તરીકે જાણીતા રાજસ્થાનમાં સામાન્ય કરતાં 36 ટકા વરસાદ થયો હતો, જ્યારે સામાન્ય રીતે મુશળધાર વરસાદ થાય છે તેવા ઉત્તર-પૂર્વ વિસ્તારમાં આ વખતે ખાધ જોવા મળી છે.
નેઋત્યના ચોમાસ દરમિયાન તમિલનાડુમાં 477.3 મીમી વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં 47 ટકા વધુ છે. અહીં ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં સામાન્ય રીતે ઇશાન (ઉત્તર-પૂર્વ) ચોમાસાની સીઝનમાં વરસાદ આવતો હોય છે, જે ઓક્ટોબરમાં ચાલુ થાય છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નેઋત્યનું ચોમાસુ પહેલી જૂને ચાલુ થાય છે અને 30 સપ્ટેમ્બરે પૂરું થાય છે. ઓક્ટોબર દરમિયાન આવેલા વરસાદને પોસ્ટ મોન્સૂન વરસાદ કહેવામાં આવે છે. નેઋત્યનું ચોમાસું 20 સપ્ટેમ્બરે વિદાયના તબક્કામાં પ્રવેશ્યું હતું અને ગુરુવારે પંજાબ, ચંદીગઢ, છત્તીસગઢ અને દિલ્હી, જમ્મુ કાશ્મીરના કેટલાંક વિસ્તારો, હિમાચલપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી વિદાય લીધી હતી.
ચોમાસાની આ સિઝનમાં તેલંગણામાં સામાન્ય કરતાં 46 ટકા વધુ, કર્ણાટકમાં 29 ટકા, મધ્યપ્રદેશમાં 24 ટકા અને મહારાષ્ટ્રમાં 23 ટકા વધુ વરસાદ પડ્યો છે. જોકે મણિપુરમાં 47 ટકા, ત્રિપુરમાં 24 ટકા. અને મિઝોરમમાં 22 ટકા ઘટ રહી હતી. દેશમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતાં પશ્ચિમ બંગાળમાં 17 ટકા ખાધ કરી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 38.52 લાખ હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર થયું છે, જે 3.65 લાખ હેક્ટર ઓછું છે.એકંદર ખેડૂતોએ આ સીઝનમાં 401.56 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે, જે અગાઉના ખરીફ સીઝન કરતાં 23.44 લાખ હેક્ટર ઓછું છે.