1922માં કેન્યાના નૈરોબીમાં રાયચંદ બ્રધર્સના નામથી જથ્થાબંધ અને છૂટક વેચાણ સાથે સંકળાયેલા પોતાના પ્રથમ વ્યવસાયની શરૂઆત કરનાર મેઘજી પેથરાજ શાહનું બનાવેલું મેઘરાજ ગૃપ 2022માં તેમનું શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે.
મેઘજી પેથરાજ શાહના પરિવારે બિઝનેસ અને પરોપકારમાં જે વારસો, પ્રતિષ્ઠા અને અનુભવો મળ્યા હતા તે પેઢી દર પેઢી જાળવી રાખ્યા છે. 1904માં ગુજરાતના દબાસંગમાં નાના ખેડૂત પરિવારમાં જન્મેલા એમ.પી. શાહ 11 વર્ષની ઉંમરે શિક્ષણ પૂરું કરી 15 વર્ષની ઉંમરે કેન્યાના મોમ્બાસા ગયા હતા. જ્યાં તેમણે શોપ આસીસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું. તેમણે 1922માં નૈરોબીમાં 18 વર્ષની વયે રાયચંદ બ્રધર્સની સ્થાપના કરી હતી.
એમ.પી. શાહે લગભગ 50 બિઝનેસીસ સ્થાપ્યા હતા. ઇસ્ટ આફ્રિકામાં તેમની માલિકીના નોંધપાત્ર વ્યવસાયોમાં કેન્યા ટેનિંગ એક્સ્ટ્રેક્ટ કંપની અને કેન્યા એલ્યુમિનિયમ વર્ક્સનો સમાવેશ થાય છે. પ્રેમચંદ વ્રજપાલ શાહ સાથેની સફળ વ્યવસાયિક ભાગીદારી દ્વારા તેમના ઘણા વ્યવસાયોની સ્થાપના અને વૃદ્ધિ થઈ. 1940 અને 1950ના દાયકાની શરૂઆતમાં એમ.પી. શાહે ભારતમાં વિવિધ વ્યવસાયો શરૂ કર્યા અને હસ્તગત કર્યા હતા.
એમ.પી. શાહ 1953માં 49 વર્ષની વયે નિવૃત્ત થઇ વ્યવસાયો વેચીને ભવિષ્યની તમામ આવક અને મોટાભાગની મૂડી ચેરિટેબલ ટ્રસ્ટને ફાળવી આરોગ્યસંભાળ અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1964માં 59 વર્ષની વયે અકાળ મૃત્યુ પામ્યા ત્યાં સુધીમાં તેમણે 100થી વધુ હોસ્પિટલો, તબીબી સુવિધાઓ અને શાળાઓ બનાવવા માટે નાણાંનું દાન કર્યું હતું. નૈરોબીમાં એમ. પી. શાહ હોસ્પિટલ, અને ગુજરાતમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજ, એમ. પી. શાહ કેન્સર હોસ્પિટલ, અને એમ. પી. શાહ મ્યુનિસિપલ કૉલેજ ઑફ કોમર્સ એન્ડ લૉ સહિતની સંસ્થાઓના નિર્માણ માટે નોંધપાત્ર દાન આપ્યું હતું.
1955માં ભારતની રાજ્યસભામાં નિમણૂક કરીયી બાદ 1957માં બાળકોના શિક્ષણ ખાતર તેમણે પરિવારને લંડન ખસેડ્યો હતો જ્યાં તેમનું અવસાન થયું હતું.
બિઝનેસના બીજા તબક્કામાં 1973માં એમપી શાહના પુત્રો, વિપિનભાઇ અને અનંતભાઇ શાહે ફાઇનાન્સીયલ સર્વિસ ગૃપની શરૂઆત કરી હતી. જે વિકસીને મેઘરાજ બેંક ઇન લંડન, આઇલ ઓફ માન ખાતે મેઘરાજ બેંક (IOM) , મિનર્વા ટ્રસ્ટ એન્ડ કોર્પોરેટ સર્વિસ જેનું મુખ્ય મથક જર્સીમાં છે, મેઘરાજ કેપિટલ ભારત, કેન્યા, જાપાન અને યુકેમાં કાર્યરત છે અને કેન્યામાં MTC ટ્રસ્ટ અને કોર્પોરેટ સેવાઓનો સમાવેશ થાય છે. પરિવારની ત્રીજી પેઢીમાંથી બિનોય મેઘરાજ 1990માં બિઝનેસમાં જોડાયા હતા. આજે મેઘરાજ ગ્રૂપના મુખ્ય બિઝનેસ મેઘરાજ કેપિટલ છે, જે ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સલાહકાર અને MTC ટ્રસ્ટ અને કોર્પોરેટ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
એમ. પી. શાહના મૃત્યુ પછી, તેમના ચેરિટેબલ ટ્રસ્ટોએ એમ. પી. શાહ દ્વારા સ્થાપિત ઘણી સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓને દાન આપ્યું છે. પરિવારે સ્થાપેલી સંસ્થાઓના દાન, જમીન અને ઈમારતોનું વર્તમાન મૂલ્ય $250 મિલિયનથી વધુ છે.
મેઘરાજ ગ્રૂપના ચેરમેન વિપિન શાહે જણાવ્યું હતું કે, “આ અમારા પરિવાર અને અમારા વ્યવસાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મારો ભાઈ અનંત અને હું અમારા પિતાના પગલે ચાલવા માગતા હતા, અને અમારા પિતાએ વિશ્વાસ, અખંડિતતા, સામાજિક જવાબદારી અને સંબંધોને સમર્થન આપ્યું હતું તેને 100 વર્ષ પછી પણ ચાલુ રાખી શક્યા છે તે જોઈને મને ગર્વ થાય છે.”
ગ્રૂપ મેનેજિંગ ડિરેક્ટર બિનોય મેઘરાજે જણાવ્યું હતું કે, “પરિવારની ત્રીજી પેઢી હોવાના કારણે મને મૂલ્યો અને રોલ મોડલ અને એક મોટી જવાબદારી પણ મળે છે. અમે મારા દાદા પાસેથી શીખ્યા તેમ સમાજમાં યોગદાન આપવાની અમારી જવાબદારીઓને પણ ખૂબ ગંભીરતાથી લઈએ છીએ.”