બ્રિટિશ રાજવી-પ્રિન્સ હેરીનાં પત્ની મેઘન મર્કલે રાજવી પરંપરા, નિયમો તોડી અમેરિકામાં પ્રેસિડેન્ટપદ આગામી ચૂંટણીમાં પરિવર્તન કરવાનો અનુરોધ કર્યો છે. એક આઉટરીચ ગ્રુપ ‘વ્હેન વી ઓલ વોટ’ દ્વારા તાજેતરમાં વર્ચ્યુઅલ ‘વોટર રજિસ્ટ્રેશન કાઉચ પાર્ટી’ દરમિયાન આ નિવેદન અપાયું હતું. આ ગ્રુપના સહઅધ્યક્ષા, ભૂતપૂર્વ પ્રથમ મહિલા મિશેલ ઓબામા, અભિનેતા ટોમ હેન્ક્સ સહિતના લોકોએ ચૂંટણીમાં સક્રિયતા વધારી છે.
મર્કલે જણાવ્યું હતું કે, ‘આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે દાવ ઉપર શું લાગેલું છે. હું તે જાણું છું, મને લાગે છે કે તમે બધા જ તે વિષે ચોક્કસપણે જાણો છો.તમે જે રીતે આગળ વધી રહ્યા છો અને પરિવર્તન માટે ઉત્સાહિત છો, તે આપણને બધાને જોઈએ છે. જે લોકો આપણી સમક્ષ આવ્યા હતા તેમને સન્માન આપવા અને આપણા પછી આવનારા લોકોનું રક્ષણ કરવા માટે મતદાન કરીએ છીએ, કારણ કે આ જ સમુદાય અને આ ચૂંટણી વિશે જે છે તે વિશેષ છે.’
જોકે, ભૂતપૂર્વ અભિનેત્રીએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધું નહોતું, જેઓ 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં ડેમોક્રેટ જો બિડેન સામે ટકરાશે. પ્રિન્સ હેરી અને મેઘન મર્કલ બ્રિટિશ રાજવી ફરજો છોડી આ વર્ષે કેલિફોર્નિયામાં સ્થાયી થયા હતા. તેમણે અગાઉ કંઇક અર્થપૂર્ણ કાર્ય કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. કેલિફોર્નિયામાં તેઓ નોનપ્રોફિટ સંસ્થા-આર્કવેલ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે. મર્કેલના માતા અશ્વેત છે, તેમણે જુનમાં આફ્રિકન અમેરિકન જ્યોર્જ ફ્લોઇડના વિવાદાસ્પદ મૃત્યુ બાદ લોસ એન્જલસમાં વધતા રેસિઝમ અંગે પોતાના સંસ્મરણો પ્રતિબિંબિત કર્યા હતા.