નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે લોકો વરસાદનો આનંદ માણે છે. . (ANI Photo)

ભારતમાં ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં રવિવાર, 25 જૂને મેઘરાજાની પધરામણી થઇ હતી. ચોમાસાએ 21 જૂન, 1961 પછી પહેલીવાર દિલ્હી અને મુંબઈને એકસાથે આવરી લીધાં હતાં. ચોમાસું રાષ્ટ્રીય રાજધાનીમાં નિર્ધારિત સમયના બે દિવસ પહેલાં આવી પહોંચ્યું હતું, જ્યારે નાણાકીય રાજધાનીમાં તેની એન્ટ્રી બે અઠવાડિયા મોડી રહી હતી, એમ હવામાન કચેરીએ જણાવ્યું હતું.

દિલ્હી અને મુંબઈ ઉપરાંત મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાતના કેટલાક ભાગો, રાજસ્થાન અને હરિયાણા, ઉત્તરાખંડના બાકીના ભાગો અને હિમાચલ પ્રદેશના મોટાભાગના વિસ્તારો તથા જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના કેટલાંક વધુ વિસ્તારોમાં ચોમાસુ આગળ વધ્યું હતું. આસામમાં ચોમાસાને કારણે નવ જિલ્લામાં પૂરની સ્થિતિ ઊભી થઈ હતી અને આશરે ચાર લાખ લોકો પ્રારંભિત થયા હતા. મધ્યપ્રદેશમાં ચોમાસાનો ઓરેન્જ એલર્ટ જારી કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ હતી.

ભારતના હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈએ જણાવ્યું હતું કે 21 જૂન, 1961 પછી પહેલીવાર એવું બન્યું છે કે દિલ્હી અને મુંબઈમાં એક જ સમયે મેઘરાજાની પધરામણી થઈ છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂન સુધીમાં કેરળ, 11 જૂન સુધીમાં મુંબઈ અને 27 જૂન સુધીમાં રાષ્ટ્રીય રાજધાની પહોંચે છે. આ વર્ષે ચોમાસાનો ટ્રેન્ડ અસાધારણ છે.

દિલ્હીમાં રવિવારે સવારે 8.30 કલાકે પૂરા થતાં 24 કલાક દરમિયાન 48.3 મીમી વરસાદ નોંધાયો હતો. મુંબઈમા કોલાબા વેધશાળાએ રવિવારે સવારે 8.30 વાગ્યે સમાપ્ત થયેલા 24 કલાકના સમયગાળામાં 86 મીમી વરસાદ નોંધ્યો હતો, જ્યારે સાંતાક્રુઝ વેધર સ્ટેશને 176.1 મીમી વરસાદ નોંધ્યો હતો.

સમગ્ર મધ્યપ્રદેશમાં ચોમાસાએ પ્રવેશ કર્યો હતો. પૂર્વ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ચોમાસાનો ઓરેન્જ એલર્ટ જારી કરાયો હતો. તેના ભારે (64.5મીમી થી 115.5 મીમી)થી ખૂબ ભારે (115.6મીમીથી 204.4 મીમી) વરસાદ સાથે અત્યંત ભારે વરસાદ (204. 5 મીથી ઉપર) વરસાદ પડવાની શક્યતા છે.

આસામમાં રવિવારે ગંભીર પૂરની સ્થિતિ રહી હતી. નવ જિલ્લામાં ચાર લાખથી વધુ લોકો પ્રભાવિત થયાં હતાં. રાજ્યમાં પૂરને કારણે અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA)ના અધિકારીએ જણાવ્યું હતું કે બક્સા, બરપેટા, દરરંગ, ધુબરી, ગોલપારા, કામરૂપ, લખીમપુર, નલબારી અને ઉદલગુરી જિલ્લામાં 4,07,700 લોકો પૂરથી પ્રભાવિત થયા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું  કે તેમણે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે વાતચીત કરી છે અને તેમને પૂરની સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

LEAVE A REPLY