વિશ્વની સૌથી મોટી એવિયેશન ડીલમાં ટાટા ગ્રૂપ એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે. આ મેગા ડીલમાં ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયા માટે 40 A350 વાઈડ-બોડી લોંગ-રેન્જ એરક્રાફ્ટ અને 210 નેરો-બોડી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. આ ડીલ આશરે 100 બિલિયન ડોલરમાં કરવામાં આવી હોવાની ધારણા છે.
એરબસના ચીફ એક્ઝિક્યુટિવ ગુઈલામ ફૌરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રતન ટાટા, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન અને અન્ય નેતાઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “એરબસ માટે ઐતિહાસિક ક્ષણ છે કે તે એર ઈન્ડિયાના પુનરુત્થાનમાં મદદ કરશે.”
470 વિમાન ખરીદવા માટેના એર ઇન્ડિયાના મેગા ઓર્ડરના ભાગરૂપે એરબસ સાથે આ ડીલ થઈ છે. મેગાડીલમાં બોઇંગ પાસેથી 220 વિમાનના ઓર્ડરનો પણ સમાવેશ થવાની ધારણા છે.
વીડિયો કોન્ફરન્સમાં મેક્રોને જણાવ્યું હતું કે આ કરાર ભારત અને ફ્રાન્સ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોમાં એક સીમાચિહ્નરૂપ છે. આ વીડિયો કોન્ફરન્સમાં કેન્દ્રીય પ્રધાનો પીયૂષ ગોયલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પણ ભાગ લીધો હતો.
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ભારત ઉડ્ડયન ક્ષેત્રે ત્રીજો સૌથી મોટો ખેલાડી બનશે. ભારતને આગામી 15 વર્ષમાં 2,500 વિમાનની જરૂર પડશે.
A350 પ્રકારના વિમાનોમાં બે વર્ઝન છે, જેમાં A350-900 અને લોંગ ફ્યુઝલેજ A350-1000. એરબસનો સમાવેશ થાય છે. એરબસ જણાવે છે કે A350 વિમાનો 17,000 કિમી સુધીના ટૂંકા અંતરથી અતિ-લાંબા અંતર સુધીનાપર કાર્યક્ષમ રીતે ઉડાન ભરી શકે છે. તેની ક્ષમતા થ્રી ક્લાસમાં 300થી 410 પેસેન્જર્સ અને સિંગલ-ક્લાસ લેઆઉટમાં 480 જેટલા મુસાફરો છે.
એરબસના નેરો-બોડી વિમાનમાં A320 અને A220 પ્લેનનો સમાવેશ થાય છે. ભારતમાં ઘણી એરલાઈન્સ પહેલાથી જ A320 વિમાન ધરાવે છે.
ભારત ફ્રેન્ચ લશ્કરી એરક્રાફ્ટનો પણ મોટો ખરીદદાર છે. આ જ કંપની દ્વારા બનાવવામાં આવેલ મિરાજ 2000ને દાયકાઓ સુધી ઉડાડ્યા પછી ભારતે તાજેતરમાં જ ફ્રાન્સની ડસોલ્ટ એવિએશન પાસેથી રાફેલ ખરીદ્યું છે.
એર ઈન્ડિયા તેની સર્વિસિસમાં પણ સુધારો કરે તેવી શક્યતા છે. ગયા મહિને તેને તેના સમગ્ર વાઈડ-બોડી ફ્લીટના આંતરિક ભાગોના નવીનીકરણ માટે $400 મિલિયનનું પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.