જી-20 સમીટ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથેની દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે તેમણે ઋષિ સુનક સાથે વેપાર અને રોકાણ તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા વિશાળ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ પર “ખૂબ જ ફળદાયી” ચર્ચાવિચારણા કરી હતી. તેઓએ ભારત-યુકે FTA વાટાઘાટોમાં પ્રગતિ સહિત દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીની પણ સમીક્ષા કરી હતી.
જાપાનના હિરોશિમામાં G7 એડવાન્સ્ડ ઇકોનોમી સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી અને સુનક મળ્યાં હતા અને એકબીજાને ભેટી પડ્યાં હતા. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું હતું કે “PM @RishiSunak સાથેની મુલાકાત ખૂબ જ ફળદાયી રહી હતી. અમે વેપાર, નવીનતા, વિજ્ઞાન અને આવા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવાની ચર્ચાવિચારણા કરી હતી.
ભારતના વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી હતી તથા ભારત-યુકે મુક્ત વેપાર કરાર (FTA) મંત્રણાની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેઓ ઉચ્ચ શિક્ષણ અને લોકો વચ્ચેના સંબંધોમાં સહકારને ગાઢ બનાવવા માટે પણ સંમત થયા હતાં. મોદી જી-20 સમિટ માટે નવી દિલ્હીમાં સુનકનું સ્વાગત કરવા આતુર છે. અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે ભારત જી-20નું અધ્યક્ષ છે. અહીં ઉલ્લેખનીય છે કે ભારત અને બ્રિટન વચ્ચે એફટીએ માટે ગયા વર્ષના જાન્યુઆરીથી મંત્રણા ચાલુ છે, પરંતુ હજુ કોઇ અંતિમ નિર્ણય થયો નથી.