ડોકલામ ટ્રાઇ-જંકશન સંબંધિત સરહદ વિવાદને ઉકેલવામાં ચીનની પણ સમાન ભૂમિકા છે તેવા ભૂતાનના વડાપ્રધાનના વિવાદાસ્પદ નિવેદનના થોડા દિવસે પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતાનના રાજા જિગ્મે ખેસર નામ્ગેયલ વાંગચુક વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકોમાં સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષાના હિતોની ચર્ચા ઉપરાંત બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે પાંચ મુદ્દાની સર્વગ્રાહી રૂપરેખા ઘડાઈ હતી. મોદી અને ભૂતાનના રાજા વચ્ચેની બેઠકમાં આર્થિક અને વિકાસ ભાગીદારી, ભૂતતાનના પ્રોજેક્ટ્સ માટે ભારતની સહાય, વેપાર, રેલવે, એર, ઇન્ફ્રા કનેક્ટિવિટી સહિતના મુદ્દે એક રૂપરેખા ઘડાઈ હતી. બંને દેશો ભારત-ભૂતાન બોર્ડર પર પ્રથમ ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ સ્થાપવાની વિચારણા કરી રહ્યાં છે.
બંને નેતાઓની બેઠકમાં ડોકલામ મુદ્દાની ચર્ચા થઈ હતી કે નહીં તેવા સવાલના જવાબમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે ભારત-ભૂતાન સંબંધો પરસ્પર આદર, વિશ્વાસ, ગાઢ સમજ અને એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલતા પર આધારિત છે. મોદી અને રાજાએ સંબંધિત રાષ્ટ્રીય હિતોના મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય સહકારની ચર્ચાવિચારણા કરી હતી. ભારત અને ભૂતાન વચ્ચે સુરક્ષા સહકારનું એક સફળ માળખુ છે અને તેના ભાગરૂપે બંને દેશો સુરક્ષા સહિતના મુદ્દે ગાઢ વિચારવિમર્શની લાંબી પરંપરા ધરાવે છે. ક્વાત્રાએ કહ્યું કે ભારત તેના રાષ્ટ્રીય હિત પર અસર કરતી તમામ ઘટનાઓ પર નજર રાખે છે અને તેની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લે છે.
2017માં ડોકલામ ટ્રાઇ-જંક્શન ખાતે ભારત અને ચીનની આર્મી વચ્ચે 73 દિવસે સુધી મડાગાંઠ સર્જાઈ હતી. ચીન આ વિસ્તારમાં રોડ બનાવવા માગતું હતું. ભૂતાન આ વિસ્તારને પોતાને ગણે છે.