જુના જમાનાની અભિનેત્રી મીનાક્ષિ શેષાદ્રી આમ તો ઘણા સમયથી સમાચારોની દુનિયાથી અલિપ્ત છે. પરંતુ આ કોરોનાકાળમાં તેનું નામ ચર્ચાયું છે. જોકે, અત્યારે આ મહામારીના સમયમાં સોશિયલ મીડિયામાં ફેલાઇ રહેલા ખોટા સમાચારો અને અફવાઓનો તે ભોગ બની છે. તાજેતરમાં ફેસબુક પર 1980ના દાયકાની ચર્ચાસ્પદ અભિનેત્રી મીનાક્ષિ શેષાદ્રીનું કોરોનાના કારણે અવસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આથી તેના ચાહકોએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને લોકોએ તેને શ્રદ્ધાંજલિ પણ આપી દીધી હતી. જોકે પછી આ સમાચાર માત્ર અફવા પૂરવાર થયા હતા. આ વાત વાઇરલ થયાના થોડા જ સમયમાં મીનાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં મીનાક્ષી એક ગાર્ડનમાં જોવા મળી રહી છે. આ તસવીર સાથે તેણે કેપ્શન લખ્યું છે કે, ડાન્સ પોઝ. આ રીતે મીનાક્ષીએ પોતે સ્વસ્થ અને જીવિત હોવાનું જણાવ્યું હતું. કહેવાય છે કે મીનાક્ષિ શેષાદ્રી અત્યારે અમેરિકામાં વસે છે.