કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવાર, 16 ઓક્ટોબરે ભારતમાં પહેલીવાર હિન્દી ભાષામાં મેડિકલના અભ્યાસક્રમનો આરંભ કરાવ્યો હતો.મધ્યપ્રદેશની તમામ 13 સરકારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ત્રણ વિષયો – એનાટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમિસ્ટ્રી – હિન્દીમાં ભણાવવામાં આવશે. તેમણે મેડિકલના હિન્દીના કેટલાક પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું.
આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના શિક્ષણ ક્ષેત્ર માટે ખૂબ મહત્વનો છે. જ્યારે પણ આવનારા દિવસોમાં ઇતિહાસ લખાશે ત્યારે આજનો દિવસ સુવર્ણ અક્ષરોમાં લખાશે. આ દેશમાં શિક્ષણ ક્ષેત્રના પુનર્જાગરણની ક્ષણ છે. નવી શિક્ષણ નીતિમાં વડાપ્રધાને પ્રાથમિક શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ અને મેડિકલ શિક્ષણમાં બાળકોની માતૃભાષાને મહત્વ આપીને ઐતિહાસિક નિર્ણય લીધો છે.
અમિત શાહે દેશભરના યુવાનોને આહ્વાન કર્યું કે ભાષાની લઘુતાગ્રંથીથી બહાર આવો. તમને તમારી માતૃભાષા પર ગર્વ કરવો જોઈએ. તમે તમારી માતૃભાષામાં અભ્યાસ કરીને તમે તમારી પ્રતિભાને વધુ સારી રીતે ખીલવી શકશો.
અમિત શાહે ઉમેર્યું કે માતૃભાષામાં વ્યક્તિ વિચારવા, સમજવા, સંશોધન અને તર્ક તથા કામ સારી રીતે કરી શકે છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતીય વિદ્યાર્થી જ્યારે માતૃભાષામાં ટેકનિકલ અને મેડિકલ શિક્ષણમાં અભ્યાસ કરશે તો ભારત વિશ્વમાં શિક્ષણનું સૌથી મોટું કેન્દ્ર બનશે. મહાત્મા ગાંધી કહેતા કે માતૃભાષામાં શિક્ષણની વ્યવસ્થા એ દેશની સાચી સેવા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં નવી શિક્ષણ નીતિના માધ્યમથી પ્રાદેશિક અને માતૃભાષાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. વિશ્વભરના શિક્ષણવિદ્દોએ માતૃભાષામાં શિક્ષણને મહત્વ આપ્યું છે.