યુકેનથી સ્વદેશ પરત આવેલા મેડિકલ વિદ્યાર્થીઓને રાહત મળે તેવી જાહેરાત કરતા નેશનલ મેડિકલ કમિશન (NMC)એ જણાવ્યું છે કે કોરોના મહામારી કે યુદ્ધ જેવી પોતાના અંકુશમાં ન તેવી સ્થિતિને કારણે અધુરી ઇન્ટર્નશીપ સાથેના વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ ભારતમાં તે પૂરી કરી શકે છે.
એક પરિપત્રમાં એનએમસીએ જણાવ્યું છે કે ભારતમાં ઇન્ટર્નશીપ પૂરી કરવા અરજી કરતાં પહેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોની ઇન્ટર્નશીપ પૂરી કરવાની અરજી રાજ્ય મેડ઼િકલ કાઉન્સિલે પ્રોસેસ કરી શકે છે. કોરોના મહામારી અને યુદ્ધ જેવી અસાધારણ પરિસ્થિતિને કારણે ઇન્ટર્નશીપ અધુરી હોય તેવા કેટલાંક વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ છે. આવા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ભારતમાં બાકીની ઇન્ટર્નશીપ પૂરી કરવાની તેમની અરજીઓને માન્ય ગણવામાં આવશે.
યુક્રેનની વિવિધ કોલેજમાં પ્રવેશ લેનારા ભારતના સેંકડો મેડિકલ વિદ્યાર્થીઓને આનાથી મદદ મળશે. પરિપત્રમાં જણાવાયું છે કે સ્ટેટ મેડિકલ કાઉન્સિલે સુનિશ્ચિત કરવાનું રહેશે કે ભારતમાં રજિસ્ટ્રેશન માટે અરજી કરનારા ઉમેદવારોએ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) દ્વારા યોજવામાં આવતી ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન (FMGE) પાસ કરેલી હોવી જોઇએ. જો ઉમેદવારો માપદંડ પૂરા કરતા હોય તો 12 મહિનાની કે બાકીના સમયગાળાની ઇન્ટર્નશીપ માટે સ્ટેટ મેડિકલ કાઉન્સિલ પ્રોવિશનલ રજિસ્ટ્રેશન મંજૂર કરી શકે છે.
એનએમસીએ જણાવ્યું હતું કે સ્ટેટ મેડિકલ કાઉન્સિલે મેડિકલ કોલેજ પાસેથી બાયધરી લેવાની રહેશે કે ઇન્ટર્નશીપ માટે મંજૂરી આપવા માટે વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સ પાસેથી મેડિકલ કોલેજો કોઇ ફરી વસૂલ કરશે નહીં.
વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટને સ્ટાઇપન્ડ અને બીજા સુવિધા યોગ્ય સત્તાવાળા દ્વારા નિર્ધારિત સરકારી મેડિકલ કોલેજમાં તાલીમ લીધેતા ભારતના મેડિકલ ગ્રેજ્યુએટની સમકક્ષ હોવું જોઇએ.