હેલ્થ સક્રેટરી સાજીદ જાવીદે તા. 21ના રોજ જાહેરાત કરી હતી કે તબીબી ઉપકરણોના વિકાસમાં “વ્યવસ્થિત પૂર્વગ્રહ” અસ્તિત્વમાં છે કે કેમ તે તપાસવા માટે તેમણે સ્વતંત્ર સમીક્ષા શરૂ કરી છે. કોવિડ-19ના કારણે આ મુદ્દો ઉજાગર થયા બાદ તેઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમના સમકક્ષ, ઝેવિયર બેસેરા અને વિશ્વભરના અન્ય સમાન વિચાર ધરાવતા રાષ્ટ્રો સાથે પણ આ અંગે કામ કરશે.
‘ધ સન્ડે ટાઈમ્સ’ અખબારમાં લખતા, જાવિદે એક મેડિકલ ડીવાઇસના સંશોધનને ટાંક્યું હતું. જેમાં દર્શાવાયું છે કે રોગચાળા દરમિયાન ઉપયોગમાં લેવાતું અને શરીરમાં ઓક્સિજનના સ્તરને મોનિટર કરતું સાધન ઓક્સિમીટર શ્યામ ત્વચાવાળા લોકો માટે પૂરતું અસરકારક નથી અને સંભવિત સમસ્યાને બહાર લાવવા માટે ઓછા સચોટ છે.
શ્રી જાવીદે નેશનલ હેલ્થ સર્વિસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે “અમારા NHS ના સ્થાપક સિદ્ધાંતોમાંનો એક સમાનતા છે, અને પૂર્વગ્રહથી કે અજાણતા પણ – ખરાબ આરોગ્ય પરિણામ તરફ દોરી શકે તેવી સંભાવના સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. મશીનને જોઇને માની લેવું સરળ છે કે દરેકને સમાન અનુભવ મળી રહ્યો છે. પરંતુ ટેક્નોલોજીઓ લોકો દ્વારા બનાવવામાં અને વિકસાવવામાં આવે છે, અને તેથી પૂર્વગ્રહ, ભલે અજાણતા હોય, અહીં પણ એક સમસ્યા બની શકે છે. ખાસ કરીને જ્યારે આપણા સ્વાસ્થ્યની વાત આવે છે ત્યારે કોડ કોણ લખી રહ્યું છે, ઉત્પાદનનું પરીક્ષણ કેવી રીતે થાય છે અને બોર્ડરૂમ ટેબલની આસપાસ કોણ બેઠું છે તે પ્રશ્નો મહત્વપૂર્ણ બને છે.”
શ્રી જાવીદે કહ્યું હતું કે “અમારે તાત્કાલિક આ ઉપકરણોમાં પૂર્વગ્રહ વિશે વધુ જાણવાની જરૂર છે અને આગળની લાઇન પર તેની શું અસર થઈ રહી છે. તેમાં પૂર્વગ્રહ અસ્તિત્વમાં છે કે કેમ, અને જો એમ હોય, તો અમે તેને કેવી રીતે સંબોધિત કરી શકીએ તે જોઈને મેં સ્વતંત્ર સમીક્ષા શરૂ કરી છે. આ તમામ તબીબી ઉપકરણોનું મૂલ્યાંકન કરશે, અને લિંગ જેવા વંશીય પૂર્વગ્રહને બાજુ પર રાખીને અન્ય સામાન્ય પૂર્વગ્રહોનું મૂલ્યાંકન કરશે.’’
આ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તેમની રૂચિ ગયા શિયાળામાં કોરોનાવાયરસ કટોકટી ટોચ પર હતી ત્યારે આરોગ્યની અસમાનતાઓને જોઈને આવી હતી. તે પછી, ઈંગ્લેન્ડમાં અશ્વેત, એશિયન અને અન્ય લઘુમતી વંશીય જૂથોના લોકો સમગ્ર વસ્તીમાં તેમના પ્રતિનિધિત્વ કરતા લગભગ બમણા દરે એટલે કે 28 ટકા જેટલા ક્રિટિકલ-કેર એડમિશન્સ તેમના હતા.
આ મુદ્દાને ઉકેલવા માટેના આંતરરાષ્ટ્રીય સહયોગ અંગે, જાવિદે કહ્યું હતું કે ‘’મેં બેસેરા સાથે આ અંગે ચર્ચા કરી છે. હું તેમના ઉપરાંત વિશ્વભરના અન્ય સમાન વિચારધારા ધરાવતા રાષ્ટ્રો સાથે કામ કરવા માંગુ છું જેથી કરીને અમે આ મૂલ્યવાન ટેક્નૉલૉજીને સુયોગ્ય આકાર આપી શકીએ.’’
ભૂલના પરિણામે લોકો કોવિડ-19થી મૃત્યુ પામ્યા હશે કે કેમ તે પૂછવામાં આવતા, જાવિદે કહ્યું હતું કે “મને લાગે છે કે કદાચ હા. પણ મારી પાસે સંપૂર્ણ તથ્યો નથી. વિસંગતતાઓનું કારણ એ હતું કે શ્વેત બહુમતી ધરાવતા દેશોમાં ઘણા બધા તબીબી ઉપકરણો, દવાઓ, પ્રક્રિયાઓ અને પાઠ્યપુસ્તકો એકસાથે મૂકવામાં આવ્યા હતા. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે અમે તેના વિશે કંઈક કરીએ પરંતુ આ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. તેથી હું તેને બદલવા માટે વિશ્વભરના મારા સમકક્ષો સાથે કામ કરવા માંગુ છું.’’