રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસામાં મેડિકલ કોલેજનું વર્ચુચ્યુઅલ શિલારોપણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર દેશના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂશનની સ્થાપના કરવાના પ્રયાસ કરી રહી છે.
મોદીએ જણાવ્યું હતું કે છ વર્ષમાં 170થી વધુ મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે અને આશરે 100 નવી મેડિકલ કોલેજ માટે ઝડપથી કામગીરી થઈ રહી છે. વડાપ્રધાનને રાજસ્થાનમાં ઇન્સ્ટીટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે દેશના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ હોય અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન માટેની સંસ્થા હોય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. ઘણા પ્રયાસો અને પડકારો બાદ સરકાર એમસીઆઇની જગ્યાએ નેશનલ મેડિકલ કમિશન બનાવીને સુધારો કરવામાં આખરે સફળ થઈ છે. આ કમિશનની રચનાની અસરો હવે દેખાઈ રહી છે. સરકારે હેલ્થ સેક્ટરમાં પરિવર્તન લાવવા રાષ્ટ્રીય અભિગમ સાથે કામ કર્યું છે અને નવી રાષ્ટ્રીય નીતિ બનાવી છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે સ્વચ્છ ભારતથી લઇને આયુષ્યમાન ભારત અને હવે આયુષ્યમાન ડિજિટલ મિશન એમ ઘણા પ્રયાસો થઈ રહ્યાં છે.દેશભરમાં હેલ્થકેર સુવિધાના નેટવર્કની સ્થાપના કરવાનાની જરૂરિયાત પર ભાર મૂકતા મોદીએ જણાવ્યું હતું કે AIIMS હોય કે મેડિકલ કોલેજ હોય દેશના દરેક ખૂણાં તેમના નેટવર્કનું વિસ્તરણ મહત્ત્વપૂર્ણ છે. આજે આપણ સંતોષ સાથે કહી શકીએ છીએ કે છ AIIMSમાથી 22 કરતાં વધુ AIIMSનું નેટવર્ક તૈયાર થયું છે. 2014માં દેશમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસ માટે કુલ 82,000 બેઠકો હતો, જે હવે વધીને 1.40 લાખ થઈ છે.