અગાઉના એમ્પ્લોયર પાસેથી ચોરી કરેલા હજારો પાઉન્ડ પાછા ચૂકવવા માટે પોતાના વર્તમાન એમ્પ્લોયર – ઇલેક્ટ્રિકલ કંપની PSE 2માંથી હજારો પાઉન્ડની છેતરપિંડી કરનાર સાઉથ વેલ્સના પનાના 48 વર્ષીય મયુર ગગલાનીને £78,000 પાછા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેણે પ્રથમ કંપનીમાંથી £250,000ની ચોરી કરી હોવાનું માનવામાં આવતું હતું.
પના (Penarth)ના બેરોન ક્લોઝના મયુરને લગભગ 2017માં ઈલેક્ટ્રીકલ વસ્તુઓ વેચતી નાની કંપની PSE-2માં નવી નોકરી મળી હતી. પ્રથમ કંપનીમાંથી ચોરેલા પૈસા ચૂકવવા માટે તેણે ગયા વર્ષે જૂન અને ઓગસ્ટ વચ્ચે કંપનીના ક્રેડિટ કાર્ડ અને ખોટા ઈન્વોઈસનો ઉપયોગ કરીને PSE 2માંથી £69,544.65 છેતરપિંડી કરી હતી. તેણે કંપનીના ડિરેક્ટર મેથ્યુ પોર્ટરને કહ્યું હતું કે તે તેના ભૂતપૂર્વ એમ્પલોયર સાથે સિવિલ કેસમાં ફસાયેલો હોવાથી નાણાંના જરૂર છે.
મયુર સમરમાં ફેમીલી હોલીડે પર યુએસએ ગયો ત્યારે પોર્ટરે જોયું હતું કે તે હજુ પણ કંપનીના ક્રેડિટ કાર્ડ દ્વારા બિલ ચૂકવે છે. તપાસમાં બહાર આવ્યું હતું કે તે વેકેશન પર હતો ત્યારે તેણે કંપનીના £5,000થી વધુ ભંડોળનો ખર્ચ કર્યો હતો. તેની ધરપકડ કરી 8 નવેમ્બરે પોલીસ દ્વારા ઔપચારિક રીતે તપાસ કરાતા તેણે છેતરપિંડી વિશે “સંપૂર્ણ કબૂલાત” કરી હતી.
શુક્રવારે કાર્ડિફ ક્રાઉન કોર્ટમાં જણાવાયું હતું કે ચોરીના પરિણામે ગગલાણીને £78,033નો ફાયદો થયો હતો પરંતુ તેની પાસે £375,000 ની સંપત્તિ ઉપલબ્ધ હતી. જજ રાઈસ રોલેન્ડ્સે મયુરને તેની કંપનીને £78,033 ની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો.