સધર્ક લંડનના મેયર, કાઉન્સિલર શ્રી સુનિલ ચોપરા દ્વારા સિટી પેવેલિયન, રોમફર્ડ ખાતે કિંગ ચાર્લ્સ ધ થર્ડના સત્તારોહણની યાદમાં, કોમનવેલ્થના તેમના નેતૃત્વની ઉજવણી અને કિંગ્સ કોલેજ હોસ્પિટલ ચેરિટી (NHS ફંડ) અને બ્લાઇન્ડએઇડની સહાયમાં ભંડોળ ઊભું કરવા માટે ‘લાર્જર ધેન લાઈફ કોમનવેલ્થ ઈવેન્ટ’- સફળ બોલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશ્વભરના કોમનવેલ્થ દેશોનું પ્રતિનિધિત્વ કરતા હાઇ કમિશ્નરો, રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય ઉપપ્રમુખ નિકી સ્કોટ, રોટરી સભ્યો અને ભારતના આદિજાતિ બાબતોના પ્રધાન અર્જુન મુંડા સહિત 750થી વધુ લોકોએ એ હાજરી આપી હતી. આ પ્રસંગે બહુસાંસ્કૃતિક નૃત્યો, ગીતો, લાઈવ ડીજે અને રંગીન કોમનવેલ્થ થીમ આધારિત ફેશન શો, ડીનરનો સૌએ લાભ લીધો હતો.
હની કાલરિયાએ કાર્યક્રમને હોસ્ટ કર્યો હતો. IMA ફાઉન્ડેશન દ્વારા ઈન્ડો વેસ્ટર્ન અને ઈન્ડો કોમનવેલ્થ સંબંધોની ઉજવણી માટે ભારતના 30થી વધુ પ્રોફેશનલ કલાકારોના સમકાલીન ચિત્રોનું પ્રદર્શન પણ યોજાયું હતું.
સધર્કના મેયરને “ગ્રીન મેયર” તરીકેનું ઉપનામ આપવામાં આવ્યું છે અને “રોટરી મિલિયન ટ્રીઝ પ્લાન્ટિંગ ઝુંબેશ”ના ભાગ રૂપે વેચાતી દરેક ટિકિટ માટે છ વૃક્ષો વાવવામાં આવશે.
આ પ્રસંગે મેયર શ્રી સુનીલ ચોપરાને સન્માનિત કરાયા હતા તો મુખ્ય મહાનુભાવોએ શાંતિ માટે મીણબત્તીઓ પ્રગટાવી હતી. શ્રી ચોપરાએ મદદ કરનાર સ્પોન્સર્સ અને ટેકેદારોનો આભાર માન્યો હતો.