યુકેની વિપક્ષી લેબર પાર્ટીના ભારતીય મૂળના રાજકારણી, કાઉન્સિલર મોહિન્દર કે મિધાની વરણી વેસ્ટ લંડનની ઇલિંગ કાઉન્સિલના મેયર તરીકે કરવામાં આવી છે. આમ તેઓ દલિત સમુદાયના સ્થાનિક લંડન કાઉન્સિલના પ્રથમ મહિલા મેયર બન્યા છે. કાઉન્સિલની બેઠકમાં મિધાને આગામી વર્ષની 2022-23ની મુદત માટે ચૂંટવામાં આવ્યા હતા.
મીધા લંડનમાં તા. 5 મેની સ્થાનિક ચૂંટણીઓમાં ઇલીંગ કાઉન્સિલમાં ડોર્મર્સ વેલ્સ વોર્ડના લેબર કાઉન્સિલર તરીકે ફરીથી ચૂંટાયા હતા. તે અગાઉ તેમણે કાઉન્સિલના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી હતી.
ઇલિંગની લેબર પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમને ખૂબ જ ગર્વ છે કે કાઉન્સિલર મોહિન્દર મિધાને આગામી વર્ષ માટે ઇલીંગના મેયર તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેને બ્રિટિશ દલિત સમુદાય ગર્વની ક્ષણ તરીકે ઉજવી રહ્યો છે.’’
દેશમાં દલિત અધિકારોનું પ્રતિનિધિત્વ કરતા ફેડરેશન ઑફ આંબેડકરાઈટ એન્ડ બૌદ્ધ સંગઠન (FABO) UKના અધ્યક્ષ સંતોષ દાસે જણાવ્યું હતું કે ‘’યુકેમાં પ્રથમ દલિત મહિલા મેયર બન્યા તે અમારા માટે એક ગર્વની ક્ષણ છે.’’
તેમણે લેબર પાર્ટી મેનિફેસ્ટોમાં આપેલા જીવનનિર્વાહની વસ્તુઓની કિંમતમાં ઘટાડો, રોગચાળાને દૂર કરવા, હિંસક ગુના અને અસામાજિક વર્તન સામે લડત, સામાજિક સંભાળ, રિસાયક્લિંગ અને ખરા અર્થમાં પોસાય તેવા વધુ ઘરો લોકો સુધી પહોંચાડવા માટેના વચનો અંગે પ્રચાર કર્યો હતો.