મથુરામાં ભગવાન કૃષ્ણના જન્મસ્થાનની નજીક આવેલી મસ્જિદ હટાવવાના મુદ્દે વિચારવિમર્શ કરવા ૧૫મી ઓક્ટોબરે વૃંદાવનમાં પ્રમુખ અખાડાના મુખ્ય સંતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવાન કૃષ્ણની જન્મભૂમિમાં આવેલા કતરા કેશવદેવ મંદિરની ૧૩ એકરની જમીન પર બાંધવામાં આવેલી ૧૭મી સદીની શાહી ઇદગાહ મસ્જિદ હટાવવા માટે ગયા સપ્તાહે કેટલાક લોકોએ મથુરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
વરિષ્ઠ સિવિલ જજ છાયા શર્માની ખંડપીઠમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાન અને શાહી ઇદગાહ મેનેજમેન્ટ કમિટી વચ્ચે ૧૯૬૮માં મથુરાની કોર્ટે આપેલા ચુકાદાને રદ કરવાની માગણી પણ અરજદારોએ કરી છે.
અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગીરીએ જણાવ્યું હતું કે અમારી પરિષદના હોદ્દેદારો સ્થિતિની સમીક્ષા કરવા માટે ભગવાન કૃષ્ણની જન્મભૂમિની મુલાકાત લેશે. કેસમાં ભાગીદાર બનવા વિશે અમારી પરિષદ વૃંદાવનની બેઠકમાં નિર્ણય લેશે.
હિંદુ મંદિર નજીક મસ્જિદની બાબતના સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ અને કાશી વિશ્ર્વનાથને મુક્ત કરવા માટે અમારી પરિષદ વર્ષોથી માગણી કરી રહી છે. ઇતિહાસકારોના મત મુજબ ઔરંગઝેબે પ્રાચીન કેશવનાથ મંદિરને તોડીને ત્યાં શાહી ઇદગાહ મસ્જિદ બંધાવી હતી.
અલ્હાબાદની હાઇ કોર્ટે ૧૯૩૫માં વારાણસીના હિંદુ રાજાને જમીનના કાનૂની અધિકાર સોંપ્યા હતા અને તે જમીન પર મસ્જિદ બાંધવામાં આવી છે. ૧૯૫૮માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ નામની સંસ્થા શરૂ કરવામાં આવી હતી. કાયદાકીય રીતે આ સંસ્થા પાસે જમીનના હક નહોતા, પણ એણે ટ્રસ્ટ માટે નક્કી કરાયેલ કામો કરવા માંડયા હતા. સમગ્ર જમીન પર હક મેળવવા માટે આ સંસ્થાએ ૧૯૬૪માં એક કેસ દાખલ કર્યો હતો, પણ ૧૯૬૮માં કોઇ કારણોસર પોતે જ મુસ્લિમ પક્ષ સાથે સમાધાન કર્યું હતુ અને એ વખતે મુસ્લિમ પક્ષે પોતાના કબજાની થોડી જગ્યા છોડી હતી અને એમણે એના બદલામાં મુસ્લિમ પક્ષને નજીકની જમીન આપી દીધી હતી. આ સ્થળે મસ્જિદ બની છે એ સ્થળ શ્રીકૃષ્ણ જન્મસ્થાન ટ્રસ્ટના નામે છે.