ઉત્તરપ્રદેશ સરકારે મથુરા વૃદાંવનમાં કૃષ્ણ જન્મસ્થળને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે કૃષ્ણ જન્મસ્થળના દસ કિલોમીટરના વિસ્તારના તીર્થસ્થળ જાહેર કર્યું છે. ગત મહિને ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મથુરામાં જન્માષ્ટમી ઉજવી હતી.
હાલમાં ઉત્તરપ્રદેશમાં તીર્થસ્થળોના વિકાસનું કામ ચાલી રહ્યું છે. તેમા અયોધ્યા, વારાણસી, મથુરા વગેરેમાં સુવિધાઓ પહેલા કરતાં પણ વધારે સારી થઈ રહી છે. અયોધ્યામાં દોઢ વર્ષ પહેલા ચુકાદો આવ્યા પછી રામ મંદિરનું નિર્માણકાર્ય ઝડપભેર થઈ રહ્યું છે. વર્ષ 2024 પહેલા અયોધ્યામાં રામમંદિરનું બાંધકામ પૂરું થઈ જશે તેમ મનાય છે.
વારાણસીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં એક કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પર કામ ચાલી રહ્યું છે. તે ઝડપથી પૂરું થાય તેવી આશા છે. કોરિડોર પૂરો થવાના લીધે મંદિર અને તેની આસપાસનો વિસ્તાર વધારે ભવ્ય થશે. ભક્તો કોઈપણ પ્રકારના અવરોધ વગર મંદિરમાં સરળતાથી જઈને દર્શન કરી શકશે.