લંડનના લોર્ડ્સ ખાતે ગયા સપ્તાહે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 151 રને હરાવી ઘણા વર્ષો પછી ‘ક્રિકેટના મક્કા’ ખાતે વિજય મેળવ્યો હતો. એ ટેસ્ટ મેચમાં કેટલાક રેકોર્ડ નોંધાયા હતા, જેમાં ઈંગ્લેન્ડના બન્ને ઓપનિંગ બેટ્સમેન એકપણ રન કર્યા સિવાય આઉટ થયાનો એક નામોશીભર્યો રેકોર્ડ પણ નોંધાયો હતા. ઘરઆંગણે, ઈંગ્લેન્ડમાં પોતાની ધરતી ઉપર ઈંગ્લેન્ડના બન્ને ઓપનર ખાતુ ખોલાવ્યા વિના પેવેલિયનમાં પાછા ફર્યાનો દેશના ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલો કિસ્સો હતો.
ભારતે પાંચમા અને છેલ્લા દિવસે ઈંગ્લેન્ડને વિજય માટે 272 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમને દમદાર શરૂઆતની જરૂર હતી, પરંતુ બન્ને ઓપનર એકપણ રન કર્યા વિના પેવેલિયન પરત ફર્યા હતા. ઘરઆંગણે બન્ને ઓપનિંગ બેટ્સમેન એક ઈનિંગમાં શૂન્યના સ્કોર પર આઉટ થઈ ગયા.
એકંદરે ઈંગ્લેન્ડના બન્ને ઓપનર ટેસ્ટ મેચની એક ઈનિંગમાં શૂન્ય રને આઉટ થયાનો આ છઠ્ઠો કિસ્સો છે. છેલ્લે 2005-2006માં ઈંગ્લેન્ડના પાકિસ્તાનના પ્રવાસ વખતે આમ થયું હતું.