અમદાવાદ ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત સામેની ટેસ્ટ સિરિઝની ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે બુધવારે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં માત્ર 112 રનમાં ખખડી ગઈ હતી. ભારતના ડાબોડી સ્પીનર અક્ષર પટેલે તરખાટ મચાવ્યા હતો અને માત્ર 38 રન આપીને છ વિકેટ લીધી હતી. ભારત તરફથી રવિચંદ્રન અશ્ચિને 26 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ એકમાત્ર જેક ક્રાઉલી સૌથી વધુ 53 રન કરી શક્યો હતો. ઇગ્લેન્ડના માત્ર ચાર બેટ્સમેન બે આંકડામાં સ્કોર કરી શક્યા હતા. આ ટેસ્ટ મેચ પિન્ક બોલથી રમાઈ રહી છે.