ગયા સપ્તાહે ગુરૂવારે (14 ડીસેમ્બર) જોહાનિસ્બર્ગમાં જ રમાયેલી ત્રીજી અને અંતિમ ટી-20માં ભારતે સા. આફ્રિકાને 106 રનથી હરાવી સીરીઝ 1-1થી સરભર કરી દીધી હતી.
મારક્રમે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું અને ટી-20 સીરીઝના સુકાની સૂર્યકુમાર યાદવની ઝમકદાર સદી સાથે ભારતે 7 વિકેટે 201 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. સૂર્યકુમાર ઉપરાંત ઓપનર યશસ્વી જયસ્વાલે 3 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે 60 રન કર્યા હતા, તો સૂર્યકુમારે 56 બોલમાં 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે બરાબર 100 રન કર્યા હતા.
સા. આફ્રિકા તરફથી કેશવ મહારાજ અને લિઝાદ વિલિયમ્સે બે-બે વિકેટ તથા બર્ગર અને શમ્સીએ એક-એક વિકેટ લીધી હતી.
એ પછી સા. આફ્રિકા 14મી ઓવરમાં ફક્ત 95 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં કુલદીપ યાદવે ફક્ત 2.5 ઓવરમાં પાંચ વિકેટ લઈ સનસનાટી મચાવી દીધી હતી. આ રીતે ભારતનો 106 રને જંગી વિજય થયો હતો. સા. આફ્રિકા તરફથી ડેવિડ મિલરે સૌથી વધુ 35 રન કર્યા હતા અને તે કુલદીપનો છેલ્લો શિકાર બન્યો હતો. તેના સિવાય સુકાની મારક્રમે 25 અને ડોનોવન ફરેરાએ 12 રન કર્યા હતા. કુલદીપ સિવાય રવીન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 25 રન આપી બે વિકેટ લીધી હતી, તો મુકેશ કુમાર અને અર્શદીપે એક-એક વિકેટ લીધી હતી.
બીજી ટી-20માં સા. આફ્રિકાનો પાંચ વિકેટે વિજયઃ ગયા સપ્તાહે જ મંગળવારે (12 ડીસેમ્બર) ગેબેરહામાં રમાયેલી બીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાની બેટિંગની તાકાત સામે ભારતીય બોલર્સ નિષ્પ્રભાવ રહ્યા હતા અને યજમાન ટીમનો પાંચ વિકેટે વિજય થયો હતો. પ્રથમ ટી-20 તો વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી, પણ બીજી મેચમાં પણ વરસાદનું વિઘ્ન તો નડ્યું જ હતું.
ભારત 20મી ઓવરમાં 7 વિકેટે 180 સુધી પહોંચ્યું હતું અને 3 બોલ બાકી હતા ત્યારે વરસાદે વિક્ષેપ કર્યો હતો. ભારતની ઈનિંગ એટલે જ અટકી ગઈ હતી અને લાંબા વિક્ષેપ પછી ડકવર્થનો નિયમ લાગું પડતાં સા. આફ્રિકાને 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પણ સા. આફ્રિકાએ તે 13.5 ઓવરમાં પાંચ વિકેટે હાંસલ કરી લીધો હતો.
ભારત તરફથી રીંકુ સિંઘ 68 રન કરી અણનમ રહ્યો હતો, તો સુકાની સૂર્યકુમારે 56, તિલક વર્માએ 29 અને રવીન્દ્ર જાડેજાએ 19 રન કર્યા હતા. સા. આફ્રિકા તરફથી જેરાલ્ડ કોએટ્ઝેએ ત્રણ વિકેટ લીધી હતી.
જવાબમાં યજમાન ટીમ વતી ઓપનર રેઝા હેન્ડ્રીક્સના 49 અને સુકાની મારક્રમના 30 રન મુખ્ય હતા, તો ભારત તરફથી મુકેશ કુમારે બે અને સિરાજ તથા કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.