અમદાવાદના સોલા વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલના પરિવારે મંગળવારે ફ્લેટના 10 માળેથી કૂદકો મારીને સામુહિક આપઘાત કર્યો હતો. પોલીસ પરિવારના સામૂહિક આપઘાત બાદ પરિવાર સહિત પોલીસતંત્રમાં શોકની લાગણી ફેલાઇ હતી. આ સામુહિક આપઘાતનું કારણ જાણવા મળ્યું ન હતું.
પોલીસના જણાવ્યા અનુસાર ગોતા વિસ્તારમાં આવેલી દિયા હાઈટ્સમાં રહેતા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કુલદીપસિંહ યાદવે તેમની પત્ની પત્ની રિદ્ધીબેન અને ત્રણ વર્ષની દીકરી આકાંક્ષી સાથે ફ્લેટના 10મા માળેથી ઝંપલાવીને સામૂહિક આપઘાત કરી લીધો હતો.મૃતક પોલીસકર્મી કુલદીપસિંહ યાદવ ભાવનગરના સિહોરના વતની હતા.
મૃતક કુલદીપસિંહ યાદવનું કથિત અંતિમ લખાણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું. આ લખાણમાં તેમણે કેટલાંક IPS અધિકારીઓ પર પણ ગંભીર આક્ષેપો કરીને ગ્રેડ પે મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો. કુલદીપસિંહે યાદવે પોતાના કથિત અંતિમ લખાણમાં જણાવ્યું હતું કે, તેમની અંતિમ ઈચ્છા છે કે પોલીસનો ગ્રેડ પે વધે. IPS અધિકારીઓ ખૂબ જ રુપિયા ખાય છે અને પગાર વધારવા દેતા નથી.