સુરતમાં કથિત આર્થિક સંકટથી કંટાળીને હીરાના કારીગરના પરિવારના ચાર સભ્યોએ ઝેર પીને આત્મહત્યા કરી હતી. પરિવારના બે બાળકો આ ઘટના સમયે ઘેર ન હોવાથી બચી ગયા હતા
પોલીસના જણાવ્યા મુજબ, હીરા કારીગરના પરિવારે સરથાણામાં તેમના ઘર નજીક સિમડા કેનાલમાં આત્યંતિક પગલું ભર્યું હતું. મૃતકોમાં વિનુ મોરાડિયા (55), તેમની પત્ની શારદા (50), અને બે બાળકો – પુત્ર ક્રિશ (20) અને પુત્રી સેનીતા (15)નો સમાવેશ થાય છે. છ સભ્યોનો મોરડિયા પરિવાર સુરતની વિજયનગર સોસાયટીમાં રહેતો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, “બુધવારે સાંજે સરથાણામાં કેનાલ પાસે પરિવારે ઝેરી ગોળીઓ ખાધી હતી. અમને કેનાલ પાસે ઝેરી ગોળીઓ અને પાણીની બોટલોના ટીન મળ્યાં હતાં. કેટલાક લોકોએ તેમને જોયા હતા અને હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલમાં વિનુની પત્ની અને પુત્રીએ સૌપ્રથમ દમ તોડ્યો હતો. ત્યારબાદ પુત્ર ક્રિશનું સવારે મૃત્યુ થયું હતું. ડોકટરોએ મોરાડિયાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો જે ગંભીર હતા, પરંતુ તેમનું પણ ગુરુવારે સાંજે 4 વાગ્યે મૃત્યુ થયું હતું.”