ગુરૂવાર 24 ફેબ્રુઆરી 2022થી ઇંગ્લેન્ડમાં દરેક સ્થળે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવામાંથી મુકિત અપાઇ છે. આ સાથે અન્ય તમામ કોવિડ કાનૂની પ્રતિબંધો સમાપ્ત કરાયા હતા.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે, નિયંત્રણોના અંતની પ્રશંસા કરતા ચેતવણી આપી હતી કે “આ એક મહત્વપૂર્ણ દિવસ છે. હવે સૌ સરકારના નિર્ધારિત નિયમોમાંથી હટીને વધુ વ્યક્તિગત જવાબદારી તરફ આગળ વધીએ છીએ. કોવિડ અહીં જ રહેવાનો છે તેથી કૃપા કરીને સાચવજો.’’
લંડનમાં ટ્રાવેલ નેટવર્કનું સંચાલન કરતા ટ્રાન્સપોર્ટ ફોર લંડને 619 દિવસ પછી માસ્ક પહેરવામાંથી મુક્તિ આપી હતી. મિનિસ્ટર્સે 27 જાન્યુઆરીના રોજ બસો, ટ્રેનો અને ઇન્ડોર પબ્લિક સેટિંગમાં ચહેરો ઢાંકવાની જરૂરિયાતને રદ કરી હતી. પરંતુ લંડનના મેયર સાદિક ખાને નેટવર્ક પર કેરેજની શરત તરીકે માસ્ક પહેરવાનું ચાલુ રાખવાનું પસંદ કર્યું હતું. જો કે TfL ગ્રાહકોને માસ્ક પહેરવા પ્રોત્સાહિત કરે છે.
તાજેતરના આંકડા મુજબ 30 નવેમ્બરથી 25 જાન્યુઆરીની વચ્ચે TfL સેવાઓ ખાતે 57,279 મુસાફરોને રોકીને કુલ 1,948 મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો હતો.
આંકડા દર્શાવે છે કે TfL નેટવર્ક્સમાં મુસાફરીનું પ્રમાણ પૂર્વ રોગચાળાના સ્તરે આવી રહ્યું છે. ગયા અઠવાડિયે ટ્યુબમાં 2.2 મિલિયન અને 2.5 મિલિયન લોકોએ મુસાફરી કરી હતી. જે ફેબ્રુઆરી 2020 કરતા લગભગ 60 ટકા વધારે છે. જ્યારે બસોમાં આ પ્રમાણ પ્રી-પેન્ડેમિક સ્તરના 75 ટકાના લેવલ પર આવ્યુ હતું.
TfLના ચીફ સેફ્ટી, હેલ્થ અને એન્વાયરમેન્ટ ઓફિસર લિલી મેટસને કહ્યું: “ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. લોકો ઓફિસો અને કામના સ્થળો, બાર, થિયેટરો, રેસ્ટોરાં અને અન્ય સાંસ્કૃતિક સ્થળો પર પાછા ફરવાનું શરૂ કરે છે. એરલાઇનના મુસાફરોએ હજુ પણ ચહેરો ઢાંકવો પડશે તેવી અપેક્ષા રાખવામાં આવશે.