અમેરિકાના ઓછામાં ઓછા ચાર રાજ્યોની હોસ્પિટલોમાં કોવિડ અને સીઝનલ ફ્લુના કેસ અને શ્વાસોશ્વાસની અન્ય બીમારીઓમાં વધારો થવાના કારણે ફરીથી માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, ઇલિનોઇ અને મેસેચ્યુસેટ્સની હોસ્પિટલોમાં દર્દીઓ અને કર્મચારીઓ માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા.
ન્યૂયોર્ક સિટી હેલ્થ કમિશ્નર ડો. અશ્વિન વાસને WABC ટીવીને તાજેતરમાં જણાવ્યું હતું કે, શહેરની તમામ 11 જાહેર હોસ્પિટલો, 30 હેલ્થ સેન્ટર્સ અને લાંબી સારવારની પાંચ હોસ્પિટલોમાં માસ્ક ફરીથી ફરજિયાત કરવામાં આવ્યા હતા. વાસને વધુમાં જણાવ્યું હતું કે, અમે કર્મચારીઓની અછત ઇચ્છતા નથી. 2022માં ઓમિક્રોનની મહામારીમાં લોકોની સાથે આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં તેનો ભોગ બન્યા હતા તે સૌથી મોટો મુદ્દો હતો.

સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શનના તાજેતરના આંકડા દર્શાવે છે કે, અમેરિકાભરમાં 17થી 23 ડિસેમ્બર દરમિયાન 29 હજારથી વધુ લોકો હોસ્પિટલોમાં કોવિડની સારવાર લઇ રહ્યા હતા, જે અગાઉના અઠવાડિયા કરતા 16 ટકા વધુ હતા. સીડીસીના રીપોર્ટ મુજબ આ સમાન સમયગાળા દરમિયાન હોસ્પિટલોમાં ફ્લુના 14,700 કેસ નોંધાયા હતા. સીડીસીના આંકડા દર્શાવે છે કે, કોવિડકાળ દરમિયાન અમેરિકામાં 1.1 મિલિયન લોકોના મોત થયા હતા, જે અન્ય સમૃદ્ધ દેશો કરતા સૌથી વધુ હતા.
આ ઉપરાંત શિકાગોમાં રશ યુનિવર્સિટી મેડિકલ સીસ્ટમમાં, કૂક કાઉન્ટી હેલ્થ અને એન્ડેવર હેલ્થમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. મેસેચ્યુસેટ્સ, બર્કશાયર હેલ્થ સીસ્ટમમાં પણ તાજેતરમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા. કેલિફોર્નિયા-લોસ એન્જેલસ કાઉન્ટીમાં પણ ફરીથી માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY