વડા પ્રધાન બોરિસ જૉન્સને ચેતવણી આપી છે કે જો બાળકોના અપાતી રસી અને બૂસ્ટર જેબ્સનો ‘પ્લાન A’ કોરોનાવાઇરસ રોગચાળાને કાબૂમાં રાખવામાં નિષ્ફળ જશે તો શિયાળામાં ફરજિયાત માસ્ક પહેરવાની અને કોવિડ પાસપોર્ટની યોજનાને રિઝર્વમાં રાખવામાં આવશે.
બોરિસ જૉન્સને ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં આગામી મહિનાઓમાં કોરોનાવાઇરસ રોગચાળામાં અપેક્ષિત ઉછાળા સાથે કામ કરવા માટે ‘શિયાળુ યોજના’ રજૂ કરી હતી. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે રોગચાળો ‘દૂર નથી’ પરંતુ વધુ આકરા લોકડાઉન લાદવાનું ટાળી રહ્યા છે. સરકાર 50 વર્ષથી વધુ વયના લોકો માટે આગામી સપ્તાહથી બૂસ્ટર જેબ્સ અને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસીકરણ અમલમાં લાવી દબાણ ઘટાડવા માંગી રહી છે.
મંગળવાર તા. 14ના રોજ ક્રિસ વ્હિટ્ટી અને પેટ્રિક વેલેન્સ સાથે યોજેલી પત્રકાર પરિષદમાં જૉન્સને ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘’યુકે આ વર્ષે રોગનો સામનો કરવા માટે વધુ સારી સ્થિતીમાં છે. મને આશા છે કે વધુ જેબ્સ અને જનતાના સંવેદનશીલ વર્તન થકી પરિસ્થિતિને સ્થિર રાખી શકાશે. જોકે મિનિસ્ટર્સે સ્પષ્ટ કર્યું છે કે અન્ય લોકડાઉનને સંપૂર્ણપણે નકારી શકાય નહીં.
પ્રોફેસર વ્હ્ટીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે ચેપ ગયા વર્ષની સરખામણીમાં ‘ઉંચો’ હતો, અને એનએચએસ ‘ભારે દબાણ’ હેઠળ હતું છતાં રસીઓ નોંધપાત્ર મદદ કરી રહી હતી.પાર્લામેન્ટમાં ટોરીઝ એમપીઓ દ્વારા ધક્કે ચઢાવાયેલા હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે ‘’મિનિસ્ટર્સ બ્રિટિશરોને ક્રૂર નિયંત્રણો ટાળવાની ‘શ્રેષ્ઠ શક્ય તક’ આપી શકે છે. આવનારા મહિનાઓમાં ઠંડા ભીના હવામાન સાથે રોગ વધવાની અપેક્ષા સાથે દેશ ‘જાગ્રત’ હોવો જોઈએ. રસીઓ રોગ સામે ‘સંરક્ષણ વધારવામાં’ મદદ કરી શકે છે. પરંતુ રોગચાળાની સ્થિતીમાં જો એનએચએસ જોખમમાં હશે તો પ્લાન બી અંતર્ગત ઘરેથી વધુ કામ કરવું, સામાજિક અંતર જાળવવું અને ‘ચોક્કસ સેટિંગ્સમાં માસ્ક ફરજિયાત બનાવવાની’ જરૂર પડશે.’’
જાવિદે કહ્યું હતું કે ‘’રોગચાળાને કાબુમાં લેવા વેક્સિન પાસપોર્ટ ‘અનામતમાં’ રાખવામાં આવશે અને ઇંગ્લેન્ડમાં એક સપ્તાહની નોટિસ સાથે તેને રજૂ કરી શકાશે. પેકેજ સખત પ્રતિબંધોને ટાળવાની ‘શ્રેષ્ઠ શક્ય તક’ આપવા માટે રચાયેલ છે, પરંતુ ‘એસ્કેપ વેરિએન્ટ’ના ઉદ્ભવ જેવી પરિસ્થિતિમાં સરકાર વધુ આગળ વધશે. કોઈપણ જવાબદાર સરકારે તમામ ઘટનાઓ માટે તૈયાર રહેવું જોઈએ. ખૂબ જ સંભવ છે કે ફ્રન્ટલાઈન એનએચએસ સ્ટાફ અને વાઇડર સોશ્યલ કેર સેટિંગમાં રહેલા લોકોને તૈનાત કરવા માટે કોવિડ-19 અને ફલૂ રસીકરણની જરૂર પડશે.’’
શ્રી જાવિદે કહ્યું હતું કે ‘’ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ 1 ઓક્ટોબરના રોજ ફોર્મલ રીવ્યુ પહેલા આંતરરાષ્ટ્રીય મુસાફરી અંગે અપડેટ આપશે. આશા છે કે તેઓ ટ્રાફિક લાઇટ સિસ્ટમ રદ કરશે અને પીસીઆર ટેસ્ટ્સ વિષે જાહેરાત કરશે.’’
જાવિદે સૌથી મજબૂત સંકેત આપ્યો હતો કે સંપૂર્ણ રસી મેળવનાર લોકો મુસાફરી કરીને યુકે આવ્યા બાદ PCR ટેસ્ટ્સને બદલે લેટરલ ફ્લો ટેસ્ટ્સ પર આધાર રાખી શકશે.
કન્ઝર્વેટિવ એમપી ડીન રસેલના પ્રશ્નનો જવાબ આપતાં શ્રી જાવિદે ચેતવણી આપી હતી કે ‘’જીપી – ડોકટરો દર્દીઓને રૂબરૂ જોવાનું શરૂ કરે તેની ખાતરી કરવા માટે સરકાર ‘ઘણું વધારે કરે છે’. હવે જીવન લગભગ સામાન્ય થવાનું શરૂ થઈ રહ્યું છે તો આપણી જીપી સર્જરીમાં પણ દર્દીને રૂબરૂ જોવાનું થવું જોઈએ, અને વધુ જીપીઓએ દર્દીઓને રૂબરૂ પ્રવેશ આપવો જોઈએ. અમે તેના વિશે ઘણું બધું કરવા માગીએ છીએ.’’
વૈજ્ઞાનિકો પહેલેથી જ ચેતવણી આપી રહ્યા છે કે દેશ ઉંચા સ્તરના કેસો સાથે શિયાળા તરફ જઈ રહ્યો છે અને વધુ પ્રતિબંધો ટાળવાની આશાઓ સારી નથી. સ્કોટલેન્ડમાં નિકોલા સ્ટર્જન નાઇટક્લબો અને મોટી ઇવેન્ટ્સ માટે કોવિડ પાસપોર્ટ લાવી રહ્યાં છે. સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછું ઓક્ટોબરની હોલીડેઝ સુધી ઇન્ડોર સ્થળોમાં ચહેરો ઢાંકવાની જરૂર પડશે અને યુનિવર્સિટીઓમાં મોટા પાયે વ્યાખ્યાન નહીં થાય.