કોરોનાના કેસોમાં ફરી વધારાને પગલે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તમિલનાડુમાં માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને તેનો ભંગ કરનારને રૂ.500ના દંડની જાહેરાત કરવામાં આવી છે. માસ્કના નિયમો ઉઠાવી લીધાના માત્ર ત્રણ સપ્તાહમાં દિલ્હી સરકારે તાકીદની અસરથી જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત બનાવ્યું છે અને તેનો ભંગ કરનારને રૂ.500ની પેનલ્ટીની જાહેરાત કરી છે.
દિલ્હીમાં ફોર વ્હિલર્સમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરવું નહીં પડે. દિલ્હીના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગે જારી કરેલા નિયમોમાં એ અંગે સ્પષ્ટતા નથી કે ભાડાની કેબ કે ટેક્સીમાં માસ્ક ફરજિયાત છે કે નહીં. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ડીડીએમએ)એ શુક્રવારે એક આદેશમાં જાહેર સ્થળો પર માસ્કના નિયમોનું પાલન ન કરવા અંગે પેનલ્ટીનો નિર્ણય કર્યો હતો. દિલ્હીમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા 965 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. એક દિવસ પહેલા બુધવારે કોરોનાના કેસની સંખ્યા 1,000ને વટાવી ગઈ હતી.
તમિલાનાડુમાં માસ્ક ફરજિયાત બન્યું છે અને ન પહેરનારા લોકોએ રૂ.500ની પેનલ્ટીનો સામનો કરવો પડશે. તમિલનાડુમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગુરુવારે રાજ્યમાં 39 નવા કેસ નોંધાયા હતા.